PM Modi On Deepfakes: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને AI દ્વારા 'ડીપફેક્સ'ના સર્જન અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે મીડિયાએ લોકોને આ સંકટ અંગે ચેતવણી આપવી જોઈએ.


ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ ભારતને વિકસિત ભારત બનાવવાની આકાંક્ષા ધરાવે છે અને તેઓ તેને માત્ર કહીને નહીં પરંતુ જમીન પર બતાવવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે વોકલ ફોર લોકલના તેમના કોલને લોકોનો ટેકો મળ્યો છે.


પીએમએ કહ્યું કે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ભારતની સિદ્ધિઓએ લોકોમાં વિશ્વાસ જગાડ્યો છે અને હવે આપણો દેશ અટકવાનો નથી. તેમણે કહ્યું કે છઠ પૂજા હવે રાષ્ટ્રીય તહેવાર બની ગઈ છે અને તે આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેક વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગને મોટી ચિંતા ગણાવી છે.


પીએમ મોદીએ કહ્યું કે તેમણે ChatGpt ટીમને ડીપફેક વીડિયોને ફ્લેગ કરવા અને જ્યારે આવા વીડિયો ઈન્ટરનેટ પર સર્ક્યુલેટ કરવામાં આવે ત્યારે ચેતવણી આપવા કહ્યું છે.


પીએમ મોદીએ ડીપફેક્સને ભારતીય સિસ્ટમ સામેના સૌથી મોટા ખતરામાંથી એક ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ડીપ ફેક સમાજમાં અરાજકતા પેદા કરી શકે છે. તેમણે કહ્યું કે લોકો અને મીડિયાએ ડીપફેક્સ અંગે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.પીએમે કહ્યું, 'મેં મારો એક વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું અને તે ખૂબ જ વાસ્તવિક લાગતો હતો, જોકે મેં બાળપણથી ગરબા નથી રમ્યા.'


ગયા મહિને પીએમ મોદીના ગરબા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં વડાપ્રધાન જેવા દેખાતા વ્યક્તિ કેટલીક મહિલાઓ સાથે ગરબા કરતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવરાત્રિ દરમિયાન ગરબા રમતાનો છે. આ દાવા સાથેનો આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આજતકને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો વડાપ્રધાન મોદીનો નથી પરંતુ તેમના જેવા દેખાતા અભિનેતા વિકાસ મહંતેનો છે.


કેન્દ્રએ પીડિતોને પોલીસ ફરિયાદ કરવા અને "ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ આપવામાં આવેલા ઉપાયોનો લાભ લેવા" સલાહ આપી છે.


કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઑનલાઇન પ્લેટફોર્મ્સ માટે તે "કાનૂની જવાબદારી" છે.


મંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર નાગરિકોની સલામતી અને વિશ્વાસને "ખૂબ જ ગંભીરતાથી લે છે, અને તેથી વધુ અમારા બાળકો અને સ્ત્રીઓ વિશે કે જેઓ આવી સામગ્રી દ્વારા લક્ષ્યાંકિત છે".


કેન્દ્રએ કહ્યું છે કે ડીપફેક બનાવવા અને તેનું પ્રસારણ કરવા માટે સખત દંડ - ₹1 લાખ દંડ અને ત્રણ વર્ષની જેલ થશે.