અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે આપણો કોઇ સૈનિક શહીદ થયો નથી. ચીને સરહદમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના સૈનિકોએ તેમને પીછેહટ કરવા મજબૂર કર્યા હતા. બંન્ને દેશો વચ્ચે ફ્લેગ મિટિંગ થઇ છે.






સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેના કારણે ચીનને પોતાના વિસ્તારમાં પાછા જવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે આપણો એક પણ સૈનિક શહીદ થયો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી.


 






રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીનને આ પ્રકારની કાર્યવાહી નહી કરવાનું કહેવામાં આવ્યું હતું અને સરહદ પર શાંતિ જાળવવાનું પણ કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.


રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ પોતાના ચીન સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી.


રાજનાથે વધુમાં કહ્યું હતું કે હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે આપણી સેના આપણી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.