નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરવાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે, દિલ્હીમાં 2689 સ્થળો પર મતદાન થશે અને આ માટે 13,750 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. 1 કરોડ 46 લાખ લાખો મતદાન કરશે. 90 હજાર કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં જોડાશે.


દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પોલિંગ સ્ટેશન પર મોબાઇલ ફોન માટે લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 14 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. એક જ તબકકામાં વોટિંગ યોજાશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ અને 11 ફેબ્રુઆરીએ મત ગણતરી કરવામાં આવશે.


ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. સી-વિજિલ  એપ દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી શકાશે.

22 ફેબ્રુઆરીએ ખતમ થશે વિધાનસભાનો કાર્યકાળ

દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ ખતમ થશે. નિયમો પ્રમાણે આ પહેલા  ચૂંટણી પૂરી કરી નવી વિધાનસભાનું ગઠન કરવું પડશે.

ભાજપ-કોંગ્રેસના CM પદના ઉમેદવાર કોણ ?

દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.

2015માં AAPને મળી 67 સીટ

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.

લોકસભામાં ભાજપે મારી બાજી

2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.