નવી દિલ્હીઃ દેશભરમાં આજથી અનલોક-1ની શરૂઆત થઈ છે. જેમાં કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં વેપાર-ધંધાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


જેમાં તેમણે કહ્યું, હવે દિલ્હીમાં તમામ દુકાનો ખૂલશે. એકી-બેકીનો નિયમ લાગુ નહીં થાય. દિલ્હીમાં હવે સલૂનની દુકાનો પણ ખૂલશે, જ્યારે સ્પા નહીં ખૂલે.


કેજરીવાલે કહ્યું, સોમવારે દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવાનો ફેંસલો લીધો છે. આગામી એક સપ્તાહ સુધી તમામ બોર્ડર સીલ કરવામાં આવશે. માત્ર જરૂરિયાતની વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે. જે બાદ લોકોના સૂચન આવશે તેના પર આગળનો ફેંસલો લેવામાં આવશે. આ માટે તેમણે એક નંબર અને ઈમેલ આઇડી પણ જાહેર કર્યા હતા. લોકો 8800007722, 1031 અને delhicm.suggestions@gmail.com પર સૂચનો મોકલી શકશે.


દેશમાં કોરોના સંક્રમિત રાજ્યોના લિસ્ટમાં દિલ્હી ત્રીજા ક્રમે છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,844 પર પહોંચી છે. 473 લોકોના મોત થયા છે અને 8478 લોકો સાજા થઈ ગયા છે.