Delhi LG VS Arvind Kejriwal: દિલ્હીની કેજરીવાલ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર ફરી એકવાર સામસામે આવી ગયા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી સરકારની નવી આબકારી નીતિ પર સવાલ ઉઠાવતા તેની તપાસ માટે સીબીઆઈને ભલામણ કરી છે. સૌથી મોટી વાત એ છે કે આ તપાસમાં એક્સાઇઝ મિનિસ્ટર મનીષ સિસોદિયા પર પણ અનેક સવાલો ઉભા થયા છે. હવે સવાલ એ ઉઠે છે કે દિલ્હીના નવા એલજીએ અચાનક આ રીતે સીબીઆઈ તપાસની ભલામણ કેમ કરી?
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયથી પ્રાપ્ત માહિતી અનુસાર, હકીકતમાં, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવના એક રિપોર્ટના જવાબમાં આ ભલામણ કરી છે. દિલ્હીના મુખ્ય સચિવે 8 જુલાઈ, 2022ના રોજ એલજીને આ અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે GNCTD એક્ટ 1991, ટ્રાન્ઝેક્શન ઑફ ટ્રેડ રૂલ્સ (TOBR) 1993, દિલ્હી નવી આબકારી નીતિ હેઠળ દારૂના પરવાનાધારકોને ટેન્ડર પછીના ખોટા લાભો આપવા માટે જાણી જોઈને એક્સાઇઝ એક્ટ 2009 અને દિલ્હી એક્સાઇઝ રૂલ્સ 2010નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
સીએમ અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
આ મામલે પોતાની વાત રજૂ કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્રની ભાજપ સરકાર પર તેમને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મનિષની ધરપકડ કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં અને વિધાનસભામાં મારા ભાષણમાં, મેં કહ્યું હતું કે મનિષની ધરપકડ કરવામાં આવશે. મેં ત્રણ-ચાર મહિના પહેલા કહ્યું હતું. મને કહેવામાં આવ્યું કે મામલો શું છે પછી મને કહેવામાં આવ્યું કે આપણા દેશની અંદર એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પહેલા તે નક્કી કરવામાં આવે છે કે કયા વ્યક્તિને જેલમાં મોકલવામાં આવશે અને પછી તેની સામે મનઘડંત કેસ કરવામાં આવે છે.
અમે ભગતસિંહના સંતાન જેલથી ડરતા નથી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલીવાર જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે મનિષ સિસોદિયા શિક્ષણ મંત્રી બન્યા. ત્યારબાદ મનીષ સિસોદિયાએ દિલ્હીની સરકારી શાળાઓને શાનદાર બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી. એવી શાળાઓ બનાવી કે હવે અમીરોના બાળકો પણ સરકારી શાળામાં ભણે છે. અમીર અને ગરીબના બાળકો દિલ્હીની સરકારી શાળાઓના ડેસ્ક પર સાથે અભ્યાસ કરે છે. સવારે 6 વાગ્યે મનિષ સિસોદિયા તેમના ઘરેથી નીકળે છે અને વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લે છે. ભ્રષ્ટાચારી દુનિયામાં એવું કોણ છે જે સવારે 6 વાગે ઉઠીને શાળાઓની ટૂર પર જાય? આ લોકોએ સમજવું જોઈએ કે અમે જેલથી ડરતા નથી. અરવિંદ કેજરીવાલે ભાજપને સાવરકર સાથે જોડતા કહ્યું કે, તમે અંગ્રેજોની માફી માંગનાર સાવરકરના સંતાનો છો. અમે ભગતસિંહના સંતાન છીએ. અમે ભગતસિંહને અમારા આદર્શ માનીએ છીએ જેમણે અંગ્રેજો સામે ઝુકવાની ના પાડી અને ફાંસીએ લટકી ગયા. અમે અમે જેલ અને ફાંસીથી ડરતા નથી. અમે ઘણી વખત જેલમાં જઈ આવ્યા છીએ.