દિલ્હીઃ દિલ્હીના નરેલામાં બિનકાયદેસર કોલોનિયોમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ માટે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભાજપના કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવીને તેમના કાફલાને ઘેરી લીધો હતો. નારેબાજી અને હંગામા વચ્ચે કેજરીવાલનો કાફલો લગભગ 10 મિનિટ સુધી ત્યાં ફસાયેલો રહ્યો હતો. ભીડે કેજરીવાલની કાર પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે તેને સુરક્ષામા ચૂક માની હતી. પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તે સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઇ છે.
એક રિપોર્ટ અનુસાર કેજરીવાલ નરેલામાં વિકાસ કાર્યોના ભૂમિપૂજન કાર્યક્રમમાં પહોચ્યા હતા. જ્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નીલદમન ખત્રીના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ બ્લેક ઝંડા બતાવી કાફલાને રોક્યો હતો અને નારેબાજી કરી હતી. જોતજોતામાં ભાજપના કાર્યકર્તાઓ કેજરીવાલની કારની આસપાસ એકઠા થઇ ગયા હતા. આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, મુખ્યમંત્રી પર હુમલો એ સ્પષ્ટ છે કે ભાજપ ગેરકાયદેસર કોલોનિયાં વિકાસના વિરુદ્ધમા છે. ભાજપ ઇચ્છતું નથી કે ગેરકાયદેસર કોલોનીઓમાં રહેતા લોકોનું જનજીવન સુધરે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નરેલામાં વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવા જઇ રહ્યા હતા. જ્યારે ભાજપના ગુંડાઓએ તેમને 30 મિનિટ સુધી રોકી રાખ્યા હતા. દરમિયાન પોલીસ મૂકદર્શક બની જોતી રહી હતી. આ હુમલા પાછળ ભાજપની સાથે પોલીસ પણ જવાબદાર છે.
પૂર્વ ધારાસભ્ય નીલ દમન ખત્રીનું કહેવું છે કે અમે પ્રજાનો અવાજ બનીને ત્યાં ગયા હતા. દિલ્હી સરકારે લોકોને દગો આપ્યો છે તેના વિરુદ્ધમાં અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. તેમણે હુમલાની વાતને ફગાવી દીધી હતી. લોકતંત્રમાં અવાજ ઉઠાવવાનો અધિકાર છે અને અમે એ રીતે અવાજ ઉઠાવી રહ્યા હતા.