નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકે તે માટે શનિવારથી સમગ્ર શહેરમાં સીરોલૉજિકલ સર્વે શરૂ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાં શુક્રવારે 21 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે દિલ્હીમાં એક દિવસમાં કરવામાં આવેલા સૌથી વધારે ટેસ્ટ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું, રાજધાનીમાં શુક્રવાર 26 જૂનના રોજ 21,144 ટેસ્ટ કરવામાં આવ્યા અને સાથે જ ટેસ્ટિંગ પણ ચાર ગણુ વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં હવે આક્રમક રીતે ટેસ્ટિંગ અને આઈસોલેશનની પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે.



દિલ્હી સરકારને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર તરફથી રેપિડ ટેસ્ટિંગ કિટથી તપાસની મંજૂરી મળી છે. જે બાદ દિલ્હીમાં સેમ્પલ તપાસમાં વેગ આવ્યો છે અને સતત ટેસ્ટિંગ વધી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં કોરોના સંક્રમણના મામલા 77,240 સુધી પહોંચી ગયા છે. જેમાંથી 2,492 લોકોના મોત થયા છે જ્યારે 27,657 એક્ટિવ કેસ છે.