નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, કેજરીવાલ અને કેન્દ્ર સરકાર દિલ્હીમાં કોરોનાનો રોકોવા માટે આકરા એક્શન પ્લાન તૈયાર કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે દિલ્હીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાથી મોતનો આંકડો 8 હજારને પાર થઇ ગયો છે. દિલ્હીમાં સતત વધતી મોતોની સંખ્યાથી કેજરીવાલ સરકાર હરકતમાં આવી ગઇ છે.


દિલ્હીમાં સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 98 લોકોના મોત થઇ ગયા છે. આ પછી મોતનો કુલ આંકડો 8041 થઇ ગયો છે. એક દિવસ પહેલા એટલે કે 18 નવેમ્બરે કોરોનાથી 131 મોતો નોંધાઇ હતી, જે એક દિવસમાં કોરોનાથી થયેલી અત્યાર સુધીની સૌથી વધુ મોતો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7546 નવા કેસો સામે આવ્યા છે, ત્યારબાદ કોરોનાના કુલ પૉઝિટીવ કેસોનો આંકડો 510630 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 6685 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. સાથે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધી આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે.