Manish Sisodia Arrested: દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. 


CBIએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે એક્સાઇઝ પોલિસી કૌભાંડની સીબીઆઈ તપાસમાં જોડાયા હતા. તેઓ સવારે 11.10 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તપાસમાં જોડાતા પહેલા તેઓ પાર્ટીના અન્ય નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સાથે રાજઘાટ પર પૂજા કરવા ગયા હતા.


આ પહેલા સિસોદિયાએ હિન્દીમાં ટ્વીટ કર્યું હતું કે, આજે ફરી સીબીઆઈ હેડક્વાર્ટર જઈ રહ્યો છું, હું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ અમારી સાથે છે.


આ જ ટ્વીટમાં તેણે કહ્યું કે, જો મારે થોડા મહિના જેલમાં રહેવું પડે તો મને કોઈ વાંધો નથી. હું ભગતસિંહનો અનુયાયી છું જેમને દેશ માટે ફાંસી આપવામાં આવી હતી. આવા ખોટા આરોપોને કારણે જેલમાં જવું એ નાની વાત છે.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેના જવાબમાં ટ્વીટ કર્યું હતું કે તેઓ જેલમાંથી તેમના મુક્ત થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


કેજરીવાલે ટ્વીટમાં લખ્યું, ભગવાન તમારી સાથે છે, લાખો બાળકો અને તેમના માતા-પિતાની પ્રાર્થના તમારી સાથે છે, જ્યારે તમે દેશ અને સમાજ માટે જેલમાં જાઓ છો, તો જેલમાં જવું એ અપમાન નથી, આશીર્વાદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જલ્દીથી જેલમાંથી પાછા ફરો. દિલ્હીના બાળકો તમારી રાહ જોશે.


ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા, AAPના ઘણા કાર્યકરો વિરોધ કરવા રાજધાનીમાં અલગ-અલગ સ્થળોએ ભેગા થયા હતા.  AAP નેતાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની સૂચના પર દિલ્હી પોલીસે તેમને નજરકેદ કર્યા હતા.  દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે, અને તેથી અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે સીબીઆઈ હેડક્વાર્ટરને જોડતા વિવિધ રસ્તાઓને બેરિકેડ કરી દીધા હતા.


સિસોદિયાને અગાઉ 19 ફેબ્રુઆરીએ સીબીઆઈ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ તપાસમાં જોડાયા નહોતા અને એક સપ્તાહનો સમય માંગ્યો હતો. સિસોદિયાએ સીબીઆઈને કહ્યું કે તેઓ દિલ્હીના બજેટને આખરી ઓપ આપી રહ્યા છે.


CBIએ તેમની વિનંતી સ્વીકારી હતી અને તેમને 26 ફેબ્રુઆરીએ તપાસમાં જોડાવા માટે બીજી નોટિસ આપી હતી.  સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીનો વિકાસ રોકવા માટે તેમની ધરપકડ કરવા માંગે છે.