New Delhi: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમીથી બચવા માટે રાજધાની દિલ્હીના એક રીક્ષા ચાલકે અનોખો રસ્તો અપનાવ્યો છે. સમાચાર એજન્સી AFPના એક રિપોર્ટ અનુસાર રીક્ષા ચાલકે પોતાની રીક્ષાને ઠંડી રાખવા માટે રીક્ષાની છત ઉપર જ છોડ વાવ્યા છે. રીક્ષા ચાલક મહેન્દ્ર કુમારનું કહેવું છે કે, ગરમીમાં પણ રીક્ષા ચલાવવા માટે અને ગરમીથી બચવા માટે તેમણે રીક્ષા ઉપર છોડ વાવાનો ઉપાય સુઝ્યો હતો.


પોતાની રીક્ષા ઉપર છોડ વાવવનાર 48 વર્ષના મહેન્દ્ર કુમારે આ વિશે વાત કરતાં જણાવ્યું કે, "મેં મારી રીક્ષા ઉપર 20 પ્રકારના છોડ ઉગાડ્યા છે જેમાં ફુલ, ઝાડી અને અનાજના છોડનો સમાવેશ થાય છે. મારી રીક્ષા જોઈને ઘણા લોકો અચંબામાં પડી જાય છે અને આ "ફરતા બગીચા" પાસે ફોટો પડાવે છે." 


મહેન્દ્ર કુમારે વધુમાં જણાવ્યું કે, "અંદાજે બે વર્ષ પહેલાં ઉનાળીની ઋતુમાં પડતી ગરમીથી બચવા માટે રીક્ષા ઉપર છોડ વાવવાનો વિચાર આવ્યો હતો. જો હું રીક્ષાની ઉપર કેટલાક છોડ ઉગાડીશ તો મને ગરમીમાંથી રાહત મળશે અને રીક્ષામાં બેસતા પેસેન્જરને પણ ગરમી સામે ઠંડકનો અહેસાસ કરાવશે." મહેન્દ્ર કુમારે  AFPને જણાવ્યું કે, "મે રીક્ષામાં બે મીની કુલર અને પંખા પણ લગાવ્યા છે. રીક્ષા પર છોડ ઉગાડવાનો ફાયદો એ પણ થયો છે કે, તેનાથી કુદરતી એસી જેવો અનુભવ થાય છે. મારી રીક્ષામાં બેસતા પેસેન્જર પણ ગરમીમાં ઠંડીનો અનુભવ કરે છે અને ખુશ થાય છે. પેસેન્જરને રીક્ષામાં એટલે સારો અનુભવ થાય છે કે તેઓ 10-20 રુપિયા વધુ ચુકવતાં ખચકાતા નથી."