નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ ગુરુવારે શાંત થઈ ગયા છે. મતદાન 8 ફેબ્રુઆરીએ છે. એવામાં મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી પંચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક નોટિસ ફટકારી છે. આ નોટિસ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવા પર આપવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે 3 ફેબ્રુઆરીએ એક ટ્વીટ કરી વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને લઈને ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે અને આ મામલે 8 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે. વીડિયોમાં જે કન્ટેન્ટ હતા તે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે અને રાષ્ટ્રી રાજધાનીમાં સાંપ્રદાયિક સદ્ભાવ વગાડી શકે છે એમ ચૂંટણી પંચે માન્યું છે.

કેજરીવાલના આ ટ્વિટના એક દિવસ બાદ ભાજપે તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ પહેલા પણ 30 જાન્યુઆરીએ પોતાના નિવેદનને લઈને કેજરીવાલને ચૂંટણી પંચે ચેતવણી આપી હતી. 13 જાન્યુઆરીએ સીએમ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે કોર્ટ પરિસરમાં મોહલ્લા ક્લિનિક ખોલશે. જેના પર નોટિસ આપવામાં આવી હતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના મતદાન યોજાશે. જેને લઈને 2689 સ્થળો પર 13750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચ આશરે 70 કરોડનો ખર્ચ કરશે. 8 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 11 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે.