Delhi Election Result: દિલ્હી ચૂંટણી પરિણામો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે અને અહીંના લોકોનું જીવન સુધારવા માટે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું 'જનશક્તિ સર્વોપરિ! વિકાસની જીત, સુશાસનની જીત. દિલ્હીના પોતાના ભાઈ-બહેનોને ઐતિહાસિક જીત અપાવવા માટે વંદન અને અભિનંદન! તમે જે આશીર્વાદ અને સ્નેહ આપ્યો છે, તેના માટે તમને બધાને ખૂબ ખૂબ આભાર. દિલ્હીના વિકાસ અને અહીંના લોકોના જીવને ઉત્તમ બનાવવા માટે અમે કોઈ કચાસ નહી રાખીએ.આ અમારી ગેરંટી છે. આ સાથે જ અમે સુનિશ્ચિત કરીએ છીએ કે ભારના નિર્માણમાં દિલ્હીની ખાસ ભૂમિકા હોય. મને ભાજપના તમામ કાર્યકર્તાઓ પર ખૂબ જ ગર્વ છે, જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત કામ કર્યું છે. હવે અમે વધુ મજબૂતી સાથે દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહેશું. '
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન થયું હતું. દિલ્હીમાં 699 ઉમેદવારો મેદાનમાં હતા. રાજધાનીમાં આ વખતે આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો હતો. આ સિવાય બસપા અને ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.
27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર ભાજપની શાનદાર એન્ટ્રી
દિલ્હીમાં મત ગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. અંદાજે 27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર ભાજપની શાનદાર એન્ટ્રી થઈ છે. આ દરમિયાન હવે એ સવાલ પર ચર્ચાએ જોર પકડ્યું છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે ? દિલ્હીમાં 27 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થયા બાદ ભાજપ રાજધાનીની કમાન કોને સોંપશે ? આ રેસમાં ઘણા દિગ્ગજોના નામ આગળ આવી રહ્યા છે. ચૂંટણી લડનારા પ્રવેશ સાહિબ સિંહ વર્મા જેવા નેતાઓના નામો જ નહીં પરંતુ દિલ્હીના પ્રાદેશિક રાજકારણમાં મોટું નામ એવા મનોજ તિવારી જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે.