નિર્ભયા ગેંગરેપના દોષિત પવને દિલ્હી સ્થિત મંડોલી જેલમાં બે પોલીસ જવાનો વિરુદ્ધ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે તેનાથી તેના માથામાં ઇજા પહોંચી છે. કોર્ટે આ મામલામાં જેલ વહીવટીતંત્રને નોટિસ જાહેર કરી જવાબ માંગ્યો છે. મામલાની આગામી સુનાવણી 12 માર્ચના રોજ થશે.
આ અગાઉ નિર્ભયા ગેંગરેપ અને હત્યામાં ફાંસીની સજાથી બચવા માટે દોષિતોએ દિલ્હીના ઉપરાજ્યપાલ સમક્ષ દયાની ભીખ માંગી હતી. દોષિત વિનય શર્માએ પોતાના વકીલ એપી સિંહ મારફતે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને ફાંસીની સજાને ઉંમરકેદમાં બદલવાની માંગ કરી હતી. એપી સિંહે સીઆરપીસીના સેક્શન 432 અને 433 હેઠળ ફાંસીની સજાને રદ કરવાની માંગ કરી છે. દિલ્હીની કોર્ટે તમામ દોષિતો વિરુદ્ધ ચોથી વખત ડેથ વોરંટ જાહેર કર્યું છે જેમાં 20 માર્ચે સવારે સાડા પાંચ વાગ્યે તમામ દોષિતોને ફાંસી આપવામાં આવશે.