PM Modi News: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર સોમવારે (29 એપ્રિલ) દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરજીકર્તાએ પીએમ મોદી પર લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે ભાજપ માટે વોટ માંગવાનો આરોપ લગાવ્યો છે. વ્યવસાયે વકીલ આનંદ એસ. જોંધલેએ દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી છે.


જોંધલેએ કોર્ટ પાસે માગણી કરી છે કે ચૂંટણી પંચને વડાપ્રધાન પર 'પ્રતિનિધિત્વ અધિનિયમ' હેઠળ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપે. સાથે જ પીએમ મોદીને ધાર્મિક દેવી-દેવતાઓ અને ધર્મસ્થળોના નામે વોટ માંગવાનું બંધ કરવા સૂચના આપવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમએ 9 એપ્રિલે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ભાષણ આપતી વખતે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.


પીએમ મોદી સામે અરજદારે શું દાવો કર્યો છે?


લાઈવ લૉના અહેવાલ મુજબ, અરજદારે કહ્યું છે કે પીએમ મોદીએ માત્ર હિન્દુ અને શીખ દેવી-દેવતાઓ અને તેમના ધર્મસ્થાનોના નામ પર વોટ માંગ્યા નથી, પરંતુ વિરોધી રાજકીય પક્ષોને મુસ્લિમોની તરફેણ કરતા કહીને તેમની વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી ભારત સરકારના વિમાનો અને હેલિકોપ્ટરમાં દેશભરમાં પ્રવાસ કરવા જઈ રહ્યા છે અને આ દરમિયાન તેઓ દરેક જગ્યાએ સમાન ભાષણ આપવાની યોજના બનાવી રહ્યા છે.


જોંધલેનું કહેવું છે કે પીએમ મોદીના ભાષણો મતદારોમાં જાતિ અને ધર્મના આધારે નફરત પેદા કરી શકે છે. અરજદારે આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. આમાં તેણે કહ્યું છે કે પીએમ મોદી કહે છે કે તેમણે રામ મંદિર બનાવ્યું, કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ કર્યો અને અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબની નકલો પરત લાવ્યાં. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે તાત્કાલિક વડાપ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.


PM મોદીના ક્યા ભાષણ પર છે વિવાદ?


વાસ્તવમાં, 9 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારીને ભગવાન રામનું અપમાન કર્યું છે. તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે એવું લાગે છે કે આ તેમનો મેનિફેસ્ટો નથી પરંતુ મુસ્લિમ લીગનું ઘોષણાપત્ર છે.તેમણે એમ પણ કહ્યું કે ભાજપ શીખોની સાથે મજબૂતીથી ઉભી છે. પીએમએ લંગરની વસ્તુઓ પર જીએસટી માફ કરવાના અને કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાના ભાજપ સરકારના નિર્ણય વિશે પણ વાત કરી.