નવી દિલ્હી: જામિયા બાદ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શાહીન બાગ વિસ્તારમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. જેની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે યુવકે કસ્ટડીમાં લેતા આરોપીએ કહ્યું કે દેશમાં માત્ર હિંદુઓનું ચાલશે બીજા કોઈનું નહીં ચાલે. ફાયરિંગ કરનાર આરોપીનું નામ કપિલ છે.  શાહીન બાગમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે.


દક્ષિણ પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલે કહ્યું કે, યુવકે હવામાં ફાયરિંગ કર્યું હતું. જેની પોલીસે તરત ધરપકડ કરી લીધી છે. કપિલ ગુર્જર દલ્લુપુરા ગામનો રહેવાસી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ એક વ્યક્તીએ વિરોધ પ્રદર્શનના મંચ પાછળ ફાયરિંગ કર્યું હતું. આ વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો.


શાહીન બાગની ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમિત શાહજી, તમે અમારી દિલ્હીની કેવી સ્થિતિ બનાવી દીધી છે. ઘોળા દિવસે ગોળીઓ ચાલી રહી છે. કાયદા વ્યવસ્થાની ખુલ્લેઆમ ધજ્જિયા ઉડાવામાં આવી રહી છે. ’




અગાઉ ગુરુવારે દિલ્હીના જામિયા વિસ્તારમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં માર્ચ કાઢી રહેલા વિદ્યાર્થીઓ પર એક સગીર યુવકે ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થી શાદાબ ઘાયલ થઈ ગયો હતો. દિલ્હી પોલીસ આરોપીની ધરપકડ કરી હતી અને તેની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.