Delhi Election Results 2025: દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. રાજધાનીમાં 5 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના મતદાનના પરિણામો આજે સામે આવ્યા છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. મતગણતરી પ્રમાણે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તે નક્કી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હીમાં સત્તામાં આવશે. ભાજપ લગભગ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર પરત ફરશે. હાલમાં ભાજપ 48 કરતા વધુ બેઠકો પર આગળ છે. દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 12 વર્ષ બાદ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે.અરવિંદ કેજરીવાલ આ ચૂંટણીમાં હારી ગયા છે. કેજરીવાલને પ્રવેશ સિંહ વર્માએ હાર આપી છે. એક મોટો ચહેરો બની તેઓ ઉભર્યા છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ભાજપની સરકાર બનશે તે નક્કી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કોણ હશે ? પાટનગરની સત્તા સંભાળવાની પાર્ટી કોને તક આપશે ? સીએમ ચહેરાની પસંદગી ભાજપ માટે મુશ્કેલ કામ છે. જો કે મુખ્યમંત્રી બનવાની રેસમાં અનેક મોટા નામો આગળ છે. આમાં સૌથી મહત્વનું નામ છે પ્રવેશ સાહિબ સિંહ વર્માનું, કારણ કે બીજેપીએ તેમને નવી દિલ્હી સીટથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા, ચાલો જાણીએ કે કોણ છે પરવેશ વર્મા, જે દિલ્હીના નવા મુખ્યમંત્રી બની શકે છે.
પ્રવેશ વર્મા બે વાર સાંસદ રહી ચૂક્યા છે
પ્રવેશ વર્મા વિશે વાત કરીએ તો તેઓ એક પીઢ ભારતીય રાજકારણી છે, જે પશ્ચિમ દિલ્હી લોકસભા મતવિસ્તારમાંથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2014માં 16મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ 2019માં 17મી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર દિલ્હીના ઈતિહાસમાં સૌથી વધુ 578,486 મતોથી જીત્યા હતા. આ સિવાય તેઓ મહેરૌલીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે પ્રવેશ વર્માના પિતા સાહિબ સિંહ વર્મા પણ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેમના કાકા આઝાદ સિંહ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હતા અને તેમણે ભાજપની ટિકિટ પર મુંડકા વિધાનસભા ક્ષેત્રમાંથી 2013ની વિધાનસભા ચૂંટણી લડી હતી.
પ્રવેશ વર્માનો જન્મ 7 નવેમ્બર 1977ના રોજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્મા અને સાહિબ કૌરના હિંદુ જાટ પરિવારમાં થયો હતો. તેમને એક ભાઈ અને ત્રણ બહેનો છે. તેમના લગ્ન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ ભાજપના નેતા વિક્રમ વર્માની પુત્રી સ્વાતિ સિંહ વર્મા સાથે થયા છે. સ્વાતિ અને પ્રવેશને ત્રણ બાળકો છે, બે દીકરીઓ (સાનિધિ સિંહ, પ્રિશા સિંહ) અને એક દીકરો (શિવેન સિંહ).
શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી
પ્રવેશ સાહિબ સિંહ વર્માએ તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે, આર.કે. પુરમ અને કિરોરી માલ કોલેજ. આ પછી તેમણે ફોર સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે.