Amanatullah Khan : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન (AAP MLA Amanatullah Khan)ને દિલ્હી પોલીસે BC એટલે કે  બેડ કેરેક્ટર જાહેર કર્યા છે. 30 માર્ચે ડીસીપીએ અમાનતુલ્લા ખાનને BC  બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમાનતુલ્લા વિરુદ્ધ 18 ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસનો દાવો છે કે અમાનતુલ્લાહ રીઢો ગુનેગાર છે. તેમની સામે જમીન પચાવી પાડવા અને મારપીટના કેસ નોંધાયેલા છે.


28 માર્ચે, એસએચઓ જામિયાનગર દ્વારા અમાનતુલ્લા ખાનને બંડલ Aનો BC બનાવવાનો પ્રસ્તાવ જાહેર  કરવામાં આવ્યો હતો, જેને DCPએ 30 માર્ચે મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન (AAP MLA Amanatullah Khan) ની ઓખલાથી ધરપકડ કરી છે. સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે, દિલ્હીની નાગરિક સંસ્થાઓએ વિવિધ વિસ્તારોમાં અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન મદનપુર ખાદર વિસ્તારમાં ભારે વિરોધ થયો હતો. વિરોધ પ્રદર્શનમાં અમાનતુલ્લા ખાન પણ હાજર રહ્યા હતા.


લોકોના હક માટે અવાજ ઉઠાવતા રહીશું - અમાનતુલ્લા
પોલીસે જણાવ્યું કે મદનપુર ખાદર વિસ્તારમાં સ્થાનિક લોકોએ બુલડોઝરને રોકવાનો પ્રયાસ કર્યો અને સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો. આ સાથે  સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે કાયદેસરના બાંધકામોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. આ પછી પોલીસે અમાનતુલ્લા ખાન સહિત અન્ય ઘણા લોકોને કસ્ટડીમાં લીધા હતા. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસે કસ્ટડીમાં લીધા બાદ અમાનતુલ્લા ખાને ટ્વીટ કર્યું હતું કે, "ભાજપની બુલડોઝર સિસ્ટમનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ ગેરબંધારણીય છે. અમે ભાજપની જનવિરોધી નીતિઓના વિરોધમાં છીએ, હું હંમેશા લોકોના હક્ક માટે અવાજ ઉઠાવીશ, ભલે આ માટે મારે કેટલી વાર જેલ જવું પડે.”