Highest Temperature In Delhi: બુધવારે (29 મે) ના રોજ ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને મુંગેશપુર વિસ્તારમાં મહત્તમ તાપમાન 52.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હવે આ મામલે મંત્રાલયે કહ્યું કે સંભવત ટેકનિકલ સમસ્યાના કારણે ખોટા આંકડા રેકોર્ડ કરવામાં આવ્યો હતો.






અગાઉ, ભારત હવામાન વિભાગ (IMD) એ કહ્યું હતું કે તે કોઈપણ સંભવિત ભૂલો માટે પ્રદેશના હવામાન કેન્દ્રોના સેન્સર અને ડેટાની તપાસ કરી રહ્યું છે. દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીની ઝપેટમાં છે.


ઓછામાં ઓછા ત્રણ વેધર સ્ટેશન - મુંગેશપુર, નરેલા અને નજફગઢમાં મંગળવારે પણ 50 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન નોંધાયું હતું. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં બુધવારે મહત્તમ તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 79 વર્ષમાં સૌથી વધુ છે. આ માહિતી સત્તાવાર આંકડામાં આપવામાં આવી છે. આ મામલે અર્થ સાયન્સ અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર કિરન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી અને કહ્યું કે હવામાન વિભાગ તરફથી સત્તાવાર નિવેદન આવી ગયું છે.


52.9 તાપમાન ચોંકાવનારુ


અગાઉ, કેન્દ્રીય પ્રધાન કિરન રિજિજુએ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "હજી સુધી તેની સત્તાવાર પુષ્ટી થઈ નથી. દિલ્હીમાં 52.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘણું ઓછું રહેવાની શક્યતા છે. IMD ખાતે અમારા વરિષ્ઠ અધિકારીઓને સમાચાર અહેવાલની પુષ્ટી કરવા માટે કહેવામાં આવ્યું છે. સત્તાવાર સ્થિતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.'' ભારતના હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, 17 જૂન, 1945ના રોજ દિલ્હીનું મહત્તમ તાપમાન 46.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


દિલ્હીમાં હવામાન બદલાયું છે


બુધવારે સાંજે દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું થઈ ગયું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જેનાથી દિલ્હીના લોકોને થોડી રાહત મળી હતી. જો કે, આનાથી ભેજનું પ્રમાણ વધી શકે છે, જે લોકોની તબિયત ખરાબ કરી શકે છે.  કારણ કે આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. મે મહિનાના અંતિમ દિવસોમાં શહેરમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.