અજમેર પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશની મુખ્ય સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે, ધર્મના નામે રમખાણો કરાવવામાં આવી રહ્યા છે, બુલડોઝર ચલાવવું હોય તો નફરત, મોંઘવારી અને બેરોજગારી પર ચલાવો. 


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં મધ્યપ્રદેશના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ શુક્રવારે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજમેર પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે અજમેર શહેર જિલ્લા કોંગ્રેસના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો સાથે તેમના સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં દિગ્વિજય સિંહે દેશની વર્તમાન રાજનીતિ અને પરિસ્થિતિઓ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હાલમાં દેશની મુખ્ય સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ધર્મના નામે રમખાણો કરાવામાં આવી રહ્યા છે. ધાર્મિક ઉન્માદ અને નફરત ફેલાવીને દેશને ચલાવવાના પ્રયાસો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જો તમારે બુલડોઝર ચલાવવું હોય તો નફરત, મોંઘવારી અને બેરોજગારી પર ચલાવો. ભારત 15 વર્ષમાં ફરી અખંડ ભારત બનશે તેમ RSS ચીફ મોહન ભાગવતના નિવેદન પર દિગ્વિજય સિંહે કહ્યું કે, અખંડ ભારત એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ફરી ભારતમાં જોડાશે.


દિગ્વિજય સિંહે કહ્યું કે, આ સવાલ નરેન્દ્ર મોદીને પૂછવો જોઈએ, મને નહીં. તેમણે કહ્યું કે અમને રાજનીતિની ચિંતા નથી, અમને આ દેશની ચિંતા છે. 2014થી આ દેશની સ્થિતિ જે રીતે બગડી રહી છે તે ચિંતાનો વિષય છે. ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે અને અમીરો વધુ અમીર થઈ રહ્યા છે. આ અંતર ધીમે-ધીમે વધી રહ્યું છે. જ્યારે યુપીએ શાસન દરમિયાન લગભગ 15 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા, તેઓ પાછા ગરીબીમાં ધકેલાઈ ગયા છે. આ સિવાય, કોરોના મહામારી દરમિયાન ખરાબ વહીવટ અને અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ જેવા મુદ્દાઓ પર પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી.