કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. બેંગલુરુમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે આપણને વિધાનસભા ચૂંટણીમાં 135થી વધુ સીટો મળી છે, પરંતુ હું ખુશ નથી. મારા કે સિદ્ધારમૈયાના ઘરે ન આવો. અમારું આગામી લક્ષ્ય લોકસભા ચૂંટણી છે અને આપણે સારી રીતે લડવું જોઈએ.
જણાવી દઈએ કે આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પણ છે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બેંગલુરુમાં રાજ્ય કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સિદ્ધારમૈયાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું
આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'પીએમ મોદી આતંકવાદની વાત કરે છે, ભાજપમાંથી કોઈએ આતંકવાદને કારણે જીવ ગુમાવ્યો નથી. ભાજપ કહેતી રહે છે કે અમે (કોંગ્રેસ) આતંકવાદને સમર્થન આપીએ છીએ પરંતુ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા કોંગ્રેસના ઘણા નેતાઓ આતંકી હુમલામાં માર્યા ગયા.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસને ભારે બહુમતી મળી છે અને ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં જ કર્ણાટક સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં સિદ્ધારમૈયાએ સીએમ અને શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
કર્ણાટકમાં શનિવારે સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી જ્યારે ડીકે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સિવાય 8 ધારાસભ્યોને રાજ્યપાલે કેબિનેટ મંત્રીના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ સિદ્ધારમૈયાની ટીમ તૈયાર થઈ ગઈ છે. આ ટીમમાં જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જોર્જ, એમબી પાટિલ, સતીશ જારકીહોલી, પ્રિયાંક ખરગે, રામલિંગા રેડ્ડી અને જમીર અહમદ ખાન સામેલ છે. સૌથી યુવા મંત્રી 44 વર્ષના પ્રિયાંક ખડગે છે તો સૌથી મોટુ ઉંમરના મંત્રી 76 વર્ષના કેજે જોર્જ છે.
કર્ણાટક કૉંગ્રેસના ધારાસભ્ય જી પરમેશ્વર દલિત નેતા છે. તેમણે અગાઉ ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્તિનો આગ્રહ રાખ્યો હતો. પરમેશ્વરએ 13 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. આ વખતે પરમેશ્વરે કોરાટાગેરે મતવિસ્તારમાંથી 14,347 મતોના માર્જિન સાથે ચૂંટણી જીતી હતી. તેમણે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આઠ વર્ષ સુધી સેવા આપી છે.
મંત્રીમંડળનું જાતિ સમીકરણ
જી પરમેશ્વર- SC
કેએચ મુનિયપ્પા- Sc
કેજે જ્યોર્જ- લઘુમતી-ખ્રિસ્તી
એમ.બી.પાટીલ - લિંગાયત
સતીશ જારકીહોલી- ST-વાલ્મીકી
પ્રિયાંક ખડગે - SC
રામલિંગા રેડ્ડી- રેડ્ડી
જમીર અહેમદ ખાન- લઘુમતી-મુસ્લિમ