Gyanvapi Masjid survey :  જ્ઞાનવાપી મસ્જિદ સર્વે અંગેના મોટા સમાચાર સામે આવ્યાં છે. જ્ઞાનવાપી મસ્જિદમાં કમિશનની કાર્યવાહીમાં સહકાર માટે કોર્ટમાંથી મળેલા આદેશ બાદ હવે 14મી મે એટલે કે શનિવારથી સર્વેની કામગીરી શરૂ થશે. આજે 13 મે ના રોજ સર્વેને લઈને વારાણસીના કલેક્ટર  અને પોલીસ કમિશનર સાથે કોર્ટ કમિશનર, હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં શનિવારથી સર્વેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ  ઇત્ઝામિયા મસ્જિદ કમિટીએ તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.


તે બેઠકમાં પોલીસ કમિશનર પણ હાજર હતા, તેમણે બંને સમુદાયના લોકોને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા અપીલ કરી છે.  ગઈકાલે એટલે કે 12 મેના રોજ વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં 17 મે પહેલા ફરી સર્વે શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કમિશનરને હટાવવાની અપીલ પણ કોર્ટે ફગાવી દીધી હતી. હવે આ સર્વે દરમિયાન કમિશનર હાજર રહેશે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ સર્વેમાં કોઈ અડચણ ન હોવી જોઈએ. જો કોઈ અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


કોર્ટે શું આદેશ આપ્યો?
કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અંગે કોર્ટ  કમિશનર 17 મેના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કરે. ગઈકાલે 13 મે ના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે 17 મે સુધીમાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી સર્વે પૂર્ણ કરવામાં આવે. કોર્ટે કહ્યું છે કે સર્વેની કાર્યવાહી દરમિયાન બેમાંથી એક કોર્ટ કમિશનર ગેરહાજર રહેશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.



કોર્ટે સર્વેના કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે FIR  નોંધવાનો આદેશ આપ્યો છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ગેટની ચાવી ન મળે તો તાળું તોડી શકાય છે. આ સાથે સર્વે દરમિયાન વિડીયોગ્રાફી માટે પણ સૂચના આપવામાં આવી છે.