Doordarshan's New Logo: પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને તેના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને ભગવો કરી દીધો છે. ડીડી ન્યૂઝના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ સંબંધમાં એક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'જો કે અમારા મૂલ્યો એ જ છે, અમે હવે નવા અવતારમાં ઉપલબ્ધ છીએ. સમાચારની સફર માટે તૈયાર થઇ જઇ જે અગાઉ ક્યારેય નહી જોયું હોય... એકદમ નવા ડીડી ન્યૂઝનો અનુભવ કરો... જોકે, વિપક્ષ આ ફેરફારથી નારાજ જોવા મળી રહ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના ભૂતપૂર્વ CEO જવાહર સરકારે લોગો બદલવાની ટીકા કરતા તેને 'દૂરદર્શનનું ભગવાકરણ' ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે 'રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેનો ઐતિહાસિક ફ્લેગશિપ લોગો કેસરી રંગમાં રંગ્યો છે! તેના ભૂતપૂર્વ CEO તરીકે હું તેના ભગવાકરણને ચિંતા અને લાગણી સાથે જોઈ રહ્યો છું. તે હવે પ્રસાર ભારતી નથી, તે પ્રચાર ભારતી છે.’
'આ સરકાર સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે'
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે દૂરદર્શનના લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે. નોંધનીય છે કે તેઓ યુપીએ સરકાર દરમિયાન 2012 થી 2014 સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી હતા.
બીજેપીના આંધ્ર પ્રદેશના રાજ્ય ઉપાધ્યક્ષે કહ્યું હતું કે 'જ્યારે 1959માં દૂરદર્શન શરૂ થયું ત્યારે તેનો લોગો ભગવો હતો. સરકારે મૂળ લોગો અપનાવ્યો છે, પરંતુ લિબરલ્સ અને કોંગ્રેસ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેને ભગવા અને હિંદુઓ પ્રત્યે નફરત છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિપક્ષી નેતાઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું, 'આ લોકો ભગવા રંગને ખૂબ નફરત કરે છે. આ લોકો ભગવા રંગનો આનંદ માણી શકતા નથી... આ લોકો માત્ર તુષ્ટિકરણ કરનારા લોકો છે.'
વિઝ્યુઅલ એસ્થેટિકને ધ્યાનમાં રાખીને કરાયો ફેરફાર
દૂરદર્શનના નિર્ણયનો બચાવ કરતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું, 'નારંગી રંગનો નવો લોગો જોવા માટે આકર્ષક છે અને આ ફેરફાર વિઝ્યુઅલ અસ્થેટિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. લોગોનો રંગ નારંગી છે કેસરી નથી. તેમણે કહ્યું, 'માત્ર લોગો જ બદલાયો નથી, પરંતુ અમે DDના સમગ્ર લૂક અને ફીલને અપગ્રેડ કર્યો છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો આ વિશે કઠોર ટિપ્પણીઓ કરી રહ્યા છે. અમે છેલ્લા છ-આઠ મહિનાથી ડીડીનો લૂક અને ફિલ બદલવા પર કામ કરી રહ્યા હતા. પ્રસાર ભારતીના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા લોગોને બીજેપી સાથે જોડાયેલા રંગ સાથે જોડવું ખોટું છે. તેમણે કહ્યું, 'છેલ્લા કેટલાક વર્ષોમાં દૂરદર્શને તેના લોગોનો રંગ બદલીને વાદળી, પીળો અને લાલ કરી દીધા છે. જોકે, લોગોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બે પાંખડીઓ અને વચ્ચેનો ગ્લોબ પહેલા જેવો જ રહે છે.