ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમીશન પર ગત સપ્તાહે ડ્રોન જોવા મળ્યું એ ઘટનાને લઈ ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમીશનમાં આ ડ્રોન એવા સમયે જોવા મળ્યું છે જ્યારે ભારતમાં જમ્મુ-કાશ્મીર સ્થિત વાયુસેના એરપોર્ટ પર બે ડ્રોનથી હુમલો થયો. આ હુમલા બાદ પણ સતત ડ્રોન દેખાયાના બનાવો સામે આવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય મિશનની અંદર ડ્રોન જોવા મળવાની ઘટના બની છે. મિશનની અંદર ડ્રોનની ઉપસ્થિતિ ત્યારે હતી જ્યારે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઘટના  (27 જૂન)ની છે. નોંધનીય છે કે, આ જ સમયે જમ્મુમાં ભારતીય વાયુસેનાના એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો હતો.


જમ્મુમાં વાયુસેનાના એરસ્ટેશનમાં 27 જૂનની અડધી રાત્રે ડ્રોનથી કરવામાં આવેલા બે હુમલા બાદ દેશમાં સુરક્ષા પ્રતિષ્ઠાનોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમીશન પર ડ્રોન જોવા મળવાની ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ આધિકારીક નિવેદન સામે નથી આવ્યું.


બીજી તરફ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન પર શુક્રવારે ગોળીઓ વરસાવી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે BSFના સતર્ક જવાનોએ વહેલી પરોઢે 4:25 વાગ્યે જમ્મુના બહારના ક્ષેત્રમાં સ્થિત અરનિયા સેક્ટરમાં સંદિગ્ધ ડ્રોન જોવા મળ્યું. તેને તોડી પાડવા માટે BSFના જવાનોએ અડધો ડઝન ગોળીઓ વરસાવી ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફરી ગયું.


BSFના પ્રવક્તાએ જણાવ્યું કે, જવાનોએ અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક નાના ડ્રોન પર ગોળીબાર કર્યો. ગોળીબારના કારણે ડ્રોન તાત્કાલીક પરત જતું રહ્યું. તેમણે જણાવ્યું કે, ડ્રોન વિસ્તારનું પેટ્રોલિંગ કરવા માટે આવ્યું હતું.


રવિવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન પર ડ્રોન હુમલા બાદથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળ હાઇ અલર્ટ પર છે. ત્યારે જમ્મુ એરપોર્ટ પરિસરમાં આવેલા એરફોર્સ સ્ટેશન પર વિસ્ફોટકો સાથેના ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે આવું પહેલીવર થયું છે જ્યારે પાકિસ્તાનના સંદિગ્ધ આતંકવાદીઓએ હુમલામાં માનવરહિત ગેજેટ્સનો ઉપયોગ કર્યો છે.