કોલકત્તાઃ દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 225 કેસ સામે આવ્યા છે. એવામાં તમામ રાજ્ય સરકારો સાવચેતીના પગલા ભરી રહી છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે સરકારી ઓફિસમાં ફક્ત 50 ટકા કર્મચારી કામ કરશે. સાથે પ્રાઇવેટ સેક્ટરને પણ આ નીતિ અપનાવવા કહેવામાં આવ્યું છે. તે સિવાય મમતાએ આગામી છ મહિના  સુધી રાજ્યમાં ઘઉં અને ચોખા મફતમાં વહેચવાની જાહેરાત કરી છે.


વાસ્તવમાં પશ્વિમ બંગાળમાં અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ લાભાર્થીઓને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉં અને ચોખા આપવામાં આવી રહ્યા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે મમતા બેનર્જી સરકારે જાહેરાત કરી છે કે આગામી છ મહિના સુધી તમામ લાભાર્થીઓને ઘઉં અને  ચોખા મફતમાં વહેંચવામાં આવશે. આ વાયરસથી બચવા માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકો પર નજર રાખવામાં આવી છે. નોંધનીય છે કે પશ્વિમ બંગાળમાં કોરોના વાયરસનો એક કેસ સામે આવ્યો છે.

વિશ્વભરમાં બે લાખથી વધુ લોકો કોરોના વાયરસથની ચેપગ્રસ્ત છે. ન્યૂઝ એજન્સી એએફપીના આંકડા અનુસાર, કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.