Covishield Vaccine: ભારતાં એસ્ટ્રેજેનિકા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશીલ્ડ વેક્સિનને બ્રિટને માન્યતા નહીં આપવાને લઈ ભારત સરકારે આલોચના કરી છે. ભારત સરકારે તેને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે કહ્યું કે, કોવિશીલ્ડને લઈ ભેદભાવપૂર્ણ નીતિના કારણે બ્રિટન જઈ રહેલા આપણા નાગરિકો પર અસર પડી રહી છે.
વિદેશ સચિવે કહ્યું કે, મૂળ મુદ્દો એ છે અહીંયા કોવિશીલ્ડ નામની એક રસી છે, મૂળ નિર્માતા યુકે છે. અમે યૂકેને તેની વિનંતી પર 50 લાખ વેક્સિન ડોઝ પ્રદાન કરી રહ્યા છીએ. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય પ્રણાલી NHS દ્વારા કરવામાં આવે છે. કોવિશીલ્ડને માન્યતા ન આપવી એક ભેદભાવપૂર્ણ નીતિ છે. વિદેશ મંત્રીએ તેમના યૂકે સમકક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.
ભારતે બ્રિટન દ્વારા લાગુ થનારા નવા વેક્સીન રૂલ સામે નારાજગી વ્યક્ત કરી છે. નવો નિયમ 4 ઓક્ટોબરથી લાગુ થવાનો છે. ભારતે બ્રિટનના વિદેશ સચિવ સાથેની મુલાકાત દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે ભારતે મંગળવારે બંને દેશો વચ્ચેના પરસ્પર હિતમાં બ્રિટનમાં કોવિડ ક્વોરેન્ટાઈનના મુદ્દાને પણ વહેલી તકે ઉકેલવા પર ભાર મુક્યો હતો.
બ્રિટને કોવિડનુ જોખમ ઓછુ થયા બાદ નિયમો હળવા કર્યા છે પણ બ્રિટને જે દેશની રસીને માન્યતા આપી છે તેમાં ભારતનુ નામ નથી. જેનો અર્થ એ થયો કે, બ્રિટન જનારા ભારતીયોએ રવાના થતા પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને બ્રિટનમાં પણ સ્થાનિક નિયમો તેમને લાગુ પડશે.
જોકે બ્રિટને કહ્યુ છે કે, ભારતમાં મુકાતી કોવિશિલ્ડ રસીને માન્યતા આપવા માટે ભારત સાથે ચર્ચા થઈ રહી છે. હાલમાં બ્રિટને નક્કી કર્યુ છે કે, ભારતમાં કોવિશિલ્ડ રસીના બે ડોઝ લેનારા વ્યક્તિઓ બ્રિટન પહોંચે તો તેમને રસીના બે ડોઝ લીધા છે તેવા લોકોમાં ગણવામાં નહીં આવે અને તેમણે 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે. નવા નિયમથી બ્રિટન જવા માંગતા ભારતીયોમાં ચિંતાનો માહોલ છે.