Earthquake: દિલ્હી-એનસીઆર અને યુપીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે બપોરે 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા જોવા મળ્યા હતા. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ત્રણ દિવસમાં આ બીજી વખત ભૂકંપ આવ્યો છે. શુક્રવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળ હતું અને તેના આંચકા દિલ્હી સુધી અનુભવાયા હતા.






શુક્રવારે આવેલા આ ભૂકંપમાં 157 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સેંકડો ઘરોને નુકસાન થયું હતું. નેપાળમાં 2015માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારપછી આવેલા આફ્ટરશોક્સના કારણે લગભગ 9,000 લોકોના મોત થયા હતા અને 22 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.


ભૂકંપ આવે ત્યારે શું કરવું?


નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ભૂકંપને લઈને એલર્ટ જારી કરી રહી છે. આ મુજબ, જો તમને આંચકો લાગે તો ગભરાશો નહીં, શાંત રહો અને ટેબલની નીચે જાઓ. તમારા માથાને એક હાથથી ઢાંકો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ટેબલને પકડી રાખો.