Amanatullah Khan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વક્ફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 9 કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે (18 એપ્રિલ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.


વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં ધરપકડ


આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. એવો પણ આરોપ છે કે તેણે દિલ્હી વક્ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કર્યો છે. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું હતું.


 




સંજય સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યું


આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ બાદ પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હી સરકારના મંત્રી આતિશી તેમના ઘરે જઈ રહ્યા છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહે X પર પોસ્ટ કરીને લખ્યું, મોદી સરકાર સંપૂર્ણ રીતે ઓપરેશન લોટસમાં વ્યસ્ત છે. નકલી કેસ બનાવીને મંત્રીઓ અને ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લા ખાન પર પાયાવિહોણો કેસ કરવામાં આવ્યો હતો. સરમુખત્યારશાહીનો અંત થશે. હું તેમના પરિવારને મળવા જઈ રહ્યો છું.


આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સપ્ટેમ્બર 2022માં અમાનતુલ્લા ખાનની પૂછપરછ કરી હતી. તેના આધારે ACBએ ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા, જ્યાંથી લગભગ 24 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત બે ગેરકાયદેસર અને લાઇસન્સ વગરની પિસ્તોલ, કારતૂસ અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. આ પછી અમાનતુલ્લા વિરુદ્ધ પુરાવા અને વાંધાજનક વસ્તુઓ મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને 28 ડિસેમ્બર 2022ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.


છેલ્લી સુનાવણીમાં કોર્ટે શું કહ્યું?


અગાઉ સોમવારે (15 એપ્રિલ), સુપ્રીમ કોર્ટે વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાનને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું કે જ્યાં સુધી અમાનતુલ્લા ખાન વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોય ત્યાં સુધી તેની ધરપકડ ન કરવી જોઈએ. ખંડપીઠે EDના વકીલને કહ્યું હતું કે, તમે તેની (અમાનતુલ્લા ખાન)ની ધરપકડ માત્ર ત્યારે જ કરો જો પુરાવા હોય. તમારે PMLAની કલમ 19નું પાલન કરવું પડશે. ધરપકડની સત્તાને હળવાશથી ન લેવી જોઈએ.