ED raid Panipat: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED) એ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતા ડંકી રૂટ (Donkey Route) ના નેટવર્ક પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. હરિયાણા અને પંજાબના કુલ 13 સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં તપાસ એજન્સીને અઢળક સંપત્તિ મળી આવી છે. પાણીપતના ભાજપ નેતા (BJP Leader) બલવાન શર્મા અને તેમના સાથીદારોના ઘરેથી 2 કરોડ રૂપિયા રોકડા, 6 કિલો સોનું અને 300 કિલો જેટલી ચાંદી જપ્ત કરવામાં આવી છે.
હરિયાણાના પાણીપત અને પંજાબમાં ED ની જલંધર ઝોનલ ટીમે ગુરુવારે સપાટો બોલાવ્યો હતો. તપાસ એજન્સીને માહિતી મળી હતી કે એક મોટી સિન્ડિકેટ 'ગધેડા માર્ગ' એટલે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન (Illegal Immigration) દ્વારા લોકોને વિદેશ મોકલી રહી છે. આ બાતમીના આધારે પાણીપતના અહર-કુરાણા ગામના રહેવાસી અને ભાજપના નેતા બલવાન શર્મા સહિત અનેક લોકોના ઠેકાણાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરોડામાં શું મળ્યું?
તપાસ દરમિયાન અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી. ભાજપ નેતા અને તેમના સહયોગીઓના પરિસરમાંથી 2 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત 6 કિલો શુદ્ધ સોનું અને આશરે 300 કિલો ચાંદીના દાગીના અને લગડીઓ જપ્ત કરવામાં આવી છે. ED એ મોટી માત્રામાં જંગમ અને સ્થાવર મિલકતોના દસ્તાવેજો, બેંક પાસબુક, લેપટોપ અને મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે, જેમાંથી મહત્વના ડિજિટલ પુરાવા મળવાની શક્યતા છે.
અમેરિકાથી ડિપોર્ટ થયેલા 330 ભારતીયો સાથે કનેક્શન
આ સમગ્ર કાર્યવાહી ફેબ્રુઆરી 2025 માં બનેલી એક ઘટના સાથે જોડાયેલી છે. તે સમયે અમેરિકાએ એક વિશેષ સૈન્ય વિમાન દ્વારા 330 ભારતીયોને ડિપોર્ટ કરીને ભારત પાછા મોકલ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આ લોકો પાસેથી સરહદ પાર કરાવવા માટે લાખો-કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. આ કૌભાંડમાં જાલંધરની રિચી ટ્રાવેલ્સ અને દિલ્હીના તરુણ ખોસલાનું નામ પણ સામેલ છે.
કબડ્ડી ખેલાડી અને સરકારી બાબુની ભૂમિકા
આ હાઈપ્રોફાઈલ કેસમાં પંચાયત સચિવ પ્રવીણ ઉર્ફે ફોર્ડનું નામ પણ મુખ્ય આરોપી તરીકે ઉભરી આવ્યું છે. પ્રવીણ ભૂતપૂર્વ પ્રખ્યાત સર્કલ કબડ્ડી (Circle Kabaddi) ખેલાડી છે અને સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરી મેળવી હતી. આરોપ છે કે તે આ નેટવર્કમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. હાલમાં ED એ તપાસ કરી રહી છે કે આ બ્લેક મની (Black Money) ક્યાં રોકવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.