Delhi Excise Policy Scam: દિલ્હીની નવી લિકર પોલિસી કેસ સાથે સંબંધિત મામલાને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ સોમવારે (30 ઓક્ટોબર) નોટિસ જારી કરીને તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે.






આ પહેલા સોમવારે જ દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચેલા આમ આદમી પાર્ટી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.


દિલ્હીની નવી દારૂની નીતિ સાથે જોડાયેલા મામલામાં પૂછપરછ માટે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને નોટીસ મોકલવામાં આવી છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. 


'આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે કેન્દ્ર સરકાર '


અરવિંદ કેજરીવાલને નોટીસ મળતાં દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે રીતે હવે ઈડીએ અરવિંદ કેજરીવાલને બીજી તારીખનું સમન્સ મોકલ્યું છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્ર સરકાર કોઈપણ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. તેથી અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.







અરવિંદ કેજરીવાલને 56 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા 


પીટીઆઈ અનુસાર, આ વર્ષના એપ્રિલ મહિનામાં સીબીઆઈની પૂછપરછ પછી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ રવિવારે તેમની પૂછપરછમાં તેમને લિકર પોલિસી કેસને લઈને 56 પ્રશ્નો પૂછ્યા હતા. નોંધનીય છે કે કેજરીવાલ સવારે 11.05 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટરમાં તપાસમાં જોડાયા હતા અને લગભગ 8.15 વાગ્યે સમાપ્ત થતાં પહેલા 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી.


'આખો મામલો ખોટો છે' 


સીબીઆઈની તપાસ પૂરી થયા બાદ દિલ્હીના સીએમએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમને 56 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમણે તમામના જવાબ આપ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, 'આપ એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. અમે કંઈ ખોટું કર્યું નથી. તેમણે મને 56 પ્રશ્નો પૂછ્યા. સમગ્ર મામલો ખોટો છે. તેની પાસે અમારી વિરુદ્ધ કંઈ નથી. કોઈ પુરાવા નથી. સમગ્ર મામલો ગંદા રાજકારણનો છે.