Eknath Shinde Party Symbol: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના રાજકિય પક્ષ માટે ચૂંટણી પંચે ચિન્હની મંજૂરી આપી દીધી છે. શિંદેના પક્ષ તરફથી ચૂંટણી પંચને મોકલામાં આવેલા 3 ચિન્હોમાંથી ઢાલ-તલવારના ચિન્હને ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ચૂંટણી પંચે મશાલના ચિન્હની મંજૂરી આપી હતી.
ઉદ્ધવની પાર્ટીને મશાલનું ચિન્હઃ
ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને મસાલનું ચૂંટણી ચિહ્ન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીનું નામ ''શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે'' હશે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને વચગાળાના આદેશ હેઠળ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે મશાલનું પ્રતીક ફાળવ્યું છે.
ત્રણ ચિન્હમાંથી એક ચિન્હને મળી મંજૂરીઃ
તો હવે એકનાથ શિંદેની શિવસેના માટે ચૂંટણી પંચે બે તલવાર અને ઢાલના ચિન્હને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં ચૂંટણી પંચે શિંદેની શિવસેના માટે ''બાલાસાહેબ ચી શિવસેના'' નામની પસંદગી કરી હતી. જો કે, એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રતીકને લઈને મોકલવામાં આવેલા ત્રણ સૂચનોને સ્વીકાર્યા નહોત. આજે ફરીથી મોકલવામાં આવેલા 3 ચૂંટણી ચિહ્નોમાં ઢાલ-તલવાર, પીપળનું ઝાડ અને સૂર્યના ચિન્હમાંથી ઢાલ તલવારના ચિન્હને મંજૂરી આપવામાં આવી છે.
ગઈકાલે જ્યારે શિવસેના પક્ષના બંને જૂથો માટે ચૂંટણી પંચ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું ત્યાર બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું હતું કે, "આખરે હિંદુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વના આદર્શોની જીત થઈ. અમે તેમના આદર્શોના વારસદાર છીએ."
શિવસેનાનું ચૂંટણી ચિન્હ ફ્રીઝ કરાયું હતુંઃ
પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. ચૂંટણી પંચે 3 નવેમ્બરે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ 'તીર-કમાન'નો ઉપયોગ કરવા પર બંને પક્ષોને પ્રતિબંધ મૂક્યો હતો.