એક આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલેની ફરિયાદ પર જવાબ આપતા ચૂંટણીપંચે કહ્યું કે, આ મામલે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી. પંચે કહ્યું કે, આદર્શ આચાર સંહિતાની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન થતું નથી. ઉલ્લેખનીય છે કે, આરટીઆઈ કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે, મફત રસી આપવાનું વચન પક્ષપાતપૂર્ણ અને ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ છે.
સૂત્રો અનુસાર, ચૂંટણીપંચે આચાર સંહિતાના આઠમાં સેક્શનમાં ચૂંટણી ઘોષણા પત્રને લઈ જાહેર કરેલા દિશાનિર્દેશોનો હવાલો આપતા નિષ્કર્ષ કાઢ્યો કે, મફત રસીનું વચન આપવું નિયમોનું ઉલ્લંઘન થતું નથી. ચૂંટણી પંચે એક જોગવાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સંવિધાનમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય નાગરિકોના કલ્યાણ માટે યોજનાઓ બનાવશે અને એવામાં ચૂંટણી ઢંઢેરામાં આવી કોઈ કલ્યાણકારી યોજના લાગું કરવાના વચન પર કોઈ વાંધો હોઈ શકે નહીં. આયોગે વઘુ એક જોગવાઈને ટાંકતા કહ્યું કે, મતદાતાઓનો વિશ્વાસ માત્ર એવાજ વચનોના ભરોસે મેળવવાનો પ્રયાસ કરવા જોઈએ, જેને પૂરા કરી શકાય. ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું કે, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, ચૂંટણી ઢંઢેરો પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા કોઈ ખાસ ચૂંટણીના સંદર્ભમાં જાહેર કરવામાં આવે છે.