Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે. તમામ પક્ષોએ પોતાના રથને ચૂંટણીના મેદાન તરફ વાળ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત સ્પષ્ટ બહુમતિ સાથે જીતવા પ્રયાસ કરી રહી છે, તો પીએમ બનવાની આશા રાખતા અન્ય ઘણા ચહેરાઓ પુરી તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જીનું નામ પણ તેમાંથી એક છે. આ દરમિયાન એક સર્વે આવ્યો સામે છે જેના પરિણામો મમતા બેનર્જીની આશાઓ પર પાણી ફેરવતો સાબિત થઈ શકે છે.


સી વોટર અને ઈન્ડિયા ટુડેએ તાજેતરમાં એક સર્વે કર્યો હતો જેમાં દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં દેશભરમાં 1.39 લાખથી વધુ લોકએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સર્વેના પરિણામો મમતા બેનર્જી માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે. સર્વે મુજબ રાજ્યમાં એનડીએની બેઠકો વધી રહી છે. માત્ર છ મહિનામાં રાજ્યનું સમગ્ર ચિત્ર જ બદલાતુ દર્શાવવામાં આવતા મમતા બેનરજીની ઉંઘ ઉડી શકે છે.


સર્વેમાં એનડીએને જબ્બર ફાયદો


પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કરતા 18 બેઠકો કબજે કરી હતી. જ્યારે શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને રાજ્યમાં માત્ર 22 બેઠકો મળી હતી. પરંતુ જાન્યુઆરી 2023માં આવેલા તાજેતરના સર્વેમાં NDAની બેઠકો વધી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.


સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં એનડીએને 20 સીટો મળવાની આશા છે. માત્ર 6 મહિના પહેલા કરવામાં આવેલા સર્વેમાં ભાજપ રાજ્યમાં બે આંકડાને પણ સ્પર્શી શક્યું ન હતું. ઓગસ્ટ 2022માં આ જ એજન્સીએ સર્વે કર્યો હતો. તે સમયે એનડીએને માત્ર 7 બેઠકો મળવાનો અંદાજ હતો.


મમતા માટે ખતરાની ઘંટડી


સર્વેમાં NDAની બેઠકો જે રીતે વધી છે તે TMC સુપ્રીમો મમતા બેનર્જી માટે ખતરાની ઘંટડી સમાન છે. 2021માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં TMC એકતરફી જીતી હતી. રાજ્યની 284 સીટોમાંથી 211 સીટો ટીએમસીના ખાતે ગઈ હતી. પરંતુ જો તાજેતરના સર્વે પર નજર નાખવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં TMCની લોકપ્રિયતા ઘટી છે અને ભાજપ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.


વિરોધ પક્ષના નેતા બનવાની રેસમાં મોખરે


મમતા બેનર્જી માટે રાહતની વાત છે કે, વિપક્ષના નેતા તરીકે તેમને પસંદ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરી 2022ના સર્વેમાં 17 ટકા લોકોએ મમતા બેનર્જી વિપક્ષના નેતા બનવાની સંભાવના દર્શાવી હતી, જે એક વર્ષ પછી જાન્યુઆરી 2023માં વધીને 20 ટકા થઈ ગઈ છે.


દેશમાં કોણ?


સર્વે અનુસાર જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો 298 સીટો સાથે ફરી એનડીએની સરકાર બનશે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને 153 બેઠકો મળી શકે છે. જ્યારે અન્ય પક્ષોને 92 બેઠકો મળવાનું અનુમાન છે.