એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના એક પછી એક દરોડા ચાલુ છે. હવે તપાસ એજન્સીની ટીમ મુંબઈના ભાંડુપ સ્થિત શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. સંજય રાઉતને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે. રાઉત વિરુદ્ધ 1034 કરોડ રૂપિયાના પતરા ચાલ કૌભાંડમાં તપાસ ચાલી રહી છે.
1 જુલાઈએ પૂછપરછ કર્યા બાદ તેમને 20 અને 27 જૂલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમના વકીલો દ્વારા માહિતી મોકલી હતી કે સંસદના સત્રને કારણે તેઓ 7 ઓગસ્ટ પછી જ હાજર થઈ શકશે. EDએ આ કેસમાં રાઉતની દાદર અને અલીબાગમાં આવેલી પ્રોપર્ટી જપ્ત કરી છે. અગાઉ, EDના સમન્સના મુદ્દે રાઉતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલા અભિયાનને ટાંકીને હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો. આ કેસમાં સંજય રાઉત મુખ્ય આરોપી છે. રાઉત 27 જુલાઈએ પણ હાજર થયા ન હતા. અગાઉ 27 જુલાઈના રોજ, EDએ આ કેસમાં રાઉતને સમન્સ પાઠવ્યું હતું અને તેમને પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું, પરંતુ રાઉત હાજર થયા ન હતા અને હાજરીમાંથી મુક્તિ માંગી હતી. પરંતુ તે પછી ઇડીએ તેને સ્વીકાર્યું ન હતું.
શું છે પતરા ચાલ કૌભાંડનો કેસ
ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પતરા ચાલના પુનઃવિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ તેમને MHADA દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુંબઈના ગોરેગાંવમાં 47 એકર જમીન પર પતરા ચાલમાં 672 ભાડૂઆતોના મકાનો રિડેવલપ કરવાના હતા.
ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને MHADAને ગેરમાર્ગે દોર્યું અને ફ્લેટ બનાવ્યા વિના આ જમીન 9 બિલ્ડરોને 901.79 કરોડ રૂપિયામાં વેચી દીધી. બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને Meadows નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂ. 138 કરોડ એકત્ર કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદેસર રીતે રૂ. 1,034.79 કરોડથી વધુની કમાણી કરી હતી. બાદમાં તેણે આ રકમ ગેરકાયદેસર રીતે તેના સહયોગીઓને ટ્રાન્સફર કરી હતી.
ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ની સિસ્ટર કંપની છે. તપાસમાં સામે આવ્યું છે કે HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમથી વર્ષા રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. EDની તપાસ શરૂ થયા બાદ વર્ષા રાઉતે માધુરી રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા મોકલ્યા હતા.
ED અનુસાર, પ્રવીણ રાઉતે રાકેશ વાધવાન અને સારંગ વાધવન સાથે મળીને હજાર કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ કરી છે. EDએ પ્રવીણ રાઉત અને તેના નજીકના સાથી સુજીત પાટકર સાથે સંબંધિત જગ્યા પર દરોડા પાડ્યા હતા. પ્રવીણ રાઉત અને સંજય રાઉત કથિત રીતે મિત્રો છે. સાથે જ સુજીત પાટકરને પણ સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે. સુજીત પાટકર પણ સંજય રાઉતની પુત્રી સાથે વાઈન ટ્રેડિંગ કંપનીમાં ભાગીદાર છે.