MCD Election 2022 Exit Poll: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈન આજે મતદાન પૂર્ણ થયા બાદ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડાએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આપ સુપડા સાફ કરી રહી હોવાનું લગભગ તમામ એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી રહ્યું છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં આમ આદમી પાર્ટી (AAP)ને 149થી 171 સીટો મેળવતી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ Times Now-ETGએ આપના ખાતામાં 146 થી 156 સીટો દર્શાવી છે. એક્ઝિટ પોલના પરિણામોમાં બીજેપી બીજા નંબરની પાર્ટી બનતી જણાઈ રહી છે. કોંગ્રેસની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે.


ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાએ ભાજપને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 69 થી 91 બેઠકો મેળવી હોવાનું દર્શાવ્યું છે. તો જ કોંગ્રેસ માત્ર 3-7 સીટો પર સમેટાઈ રહી હોવાનું દર્શાવાયુ છે. તો ટાઈમ્સ નાઉ-ઈટીજી અનુસાર ભાજપ MCDમાં 84 થી 94 બેઠકો જીતી રહી છે, જ્યારે કોંગ્રેસને 6 થી 10 બેઠકો મળી રહી છે.


દિલ્હી MCDમાં ગત વખત કરતા બદલાયું ચિત્ર


આ વખતે દિલ્હી MCD ચૂંટણીનો માહોલ અગાઉની ચૂંટણીઓ કરતાં સંપૂર્ણ રીતે બદલાયેલો છે. 2012 સુધી ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. પરંતુ રાજધાનીમાં દિલ્હીમાં AAPની એન્ટ્રી બાદ હરીફાઈ ત્રિકોણીય બની ગઈ છે. આ સાથે ત્રણેય MCDના મર્જરને કારણે ચિત્ર પણ બદલાઈ ગયું છે. 2012ની ચૂંટણીમાં MCDમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો. એ સમયે ભાજપ 36.74 ટકા વોટ મેળવીને સૌથી મોટી પાર્ટી બની હતી. તો કોંગ્રેસ 30.54 ટકા મતો સાથે બીજા ક્રમે રહી હતી. પરંતુ 2017ની ચૂંટણીમાં AAPની એન્ટ્રી પછી, BJP પોતાનો જનાધાર બચાવવામાં સફળ રહી પરંતુ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. 2017ની ચૂંટણીમાં ભાજપને 36.02 ટકા વોટ મળ્યા હતા. AAPએ કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.  AAP 26.21 ટકા વોટ મેળવીને બીજેપી બાદ સૌથી બીજી મોટી પાર્ટી બની હતી. જ્યારે કોંગ્રેસ 21.21 ટકા મત સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ હતી.


2017ની MCD ચૂંટણીના આંકડા જાણો


ભાજપે 2017ની MCD ચૂંટણીમાં ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 181 બેઠકો જીતી હતી. ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 103માંથી 64 બેઠકો જીતી હતી. દક્ષિણ નિગમની 104માંથી 70 બેઠકો મળી હતી. પૂર્વ દિલ્હીમાં 63માંથી 47 બેઠકો જીતી હતી. 2017ની MCD ચૂંટણીમાં AAPને માત્ર 48 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 30 બેઠકો મળી શકી હતી. અન્યના ખાતામાં 11 બેઠકો હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી રીતસરનું ઝાડુ ફેરવતી નજરે પડી રહી છે.