Fastag Rules: વર્ષ 2014માં ભારતમાં ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ એટલે કે ફાસ્ટેગની સુવિધા શરૂ થઈ ગઈ હતી. ત્યારે ફાસ્ટેગ ભારતમાં માત્ર કેટલાક સ્થળોએ જ વપરાતું હતું. પરંતુ ધીમે ધીમે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં ફરજિયાત કરી દેવામાં આવ્યું.


હવે બધાને ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ચૂકવવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરવો પડે છે. ફાસ્ટેગને લઈને હવે ભારતમાં પાંચ જરૂરી નિયમો છે. જેનું પાલન બધાએ કરવું પડે છે. જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો પછી તેનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. ચાલો આપણે આ પાંચ નિયમો વિશે જાણીએ.


પાંચ વર્ષ જૂનું ફાસ્ટેગ બદલવું પડશે


ફાસ્ટેગ માટે નક્કી કરાયેલા નિયમો મુજબ જો તમારું ફાસ્ટેગ 5 વર્ષ જૂનું થઈ ગયું છે, તો પછી તમારે તે ફાસ્ટેગ બદલવું પડશે. અને તેના બદલે તમારે એક નવું ફાસ્ટેગ લેવું પડશે. આ માટે તમારે KYCની પ્રક્રિયા પૂરી કરવી પડશે. એટલે કે જે બેંક સાથે તમારું ફાસ્ટેગ કનેક્ટ છે તેના પોર્ટલ પર તમારે લોગિન કરવું પડશે.


ત્યારબાદ ત્યાં તમારે વાહનની RC અપલોડ કરવી પડશે, વાહનની સામેથી અને બાજુથી ફોટા અપલોડ કરવા પડશે, તેમજ તમારું ID કાર્ડ પણ અપલોડ કરવું પડશે. ત્યારબાદ તમારે નક્કી કરાયેલી ફી ચૂકવવી પડશે. આ પછી તમને નવું ફાસ્ટેગ જારી કરી દેવામાં આવશે.


વિન્ડશીલ્ડ પર જ લગાવવું પડશે ફાસ્ટેગ


સામાન્ય રીતે લોકો ફાસ્ટેગને વાહન પર ક્યાંય પણ ચોંટાડી દે છે. તો ઘણા લોકો તેને ચોંટાડતા જ નથી. પરંતુ જો તમે આવું કરો છો, તો પછી તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. કારણ કે નવા નિયમો મુજબ તમારે વિન્ડશીલ્ડ પર જ ફાસ્ટેગ ચોંટાડવું જ પડશે. કારણ કે જો તમે વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગ નહીં ચોંટાડ્યું તો પછી તમારે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.


ત્રણ વર્ષ પછી થશે ફરીથી KYC


ફાસ્ટેગના નિયમો મુજબ જો તમારું ફાસ્ટેગ 3 વર્ષ જૂનું થઈ ગયું છે, તો પછી તમારે તેની રી KYC કરાવવું પડશે. એટલે કે તમારે ફરીથી KYC કરાવવી પડશે. પ્રક્રિયા એ જ છે જે તમારે 5 વર્ષ પછી ફાસ્ટેગ બદલાવવા માટે કરવી પડશે. આ માટે હવે તમારી પાસે 31 ઓક્ટોબર 2024 સુધીનો સમય છે. આ પછી પણ જો તમે રી KYC પૂર્ણ નહીં કરી તો પછી તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ જશે.


નવા વાહન માટે 90 દિવસનો સમય


જો તમે નવી કાર લીધી છે તો પછી તમને નવા વાહનના રજિસ્ટ્રેશન માટે 90 દિવસનો સમય આપવામાં આવે છે. એટલે કે આ સમયગાળા દરમિયાન જ તમારે તે નવા વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબર અપલોડ કરવો પડશે. એટલે કે તેમાં તમારે નવા વાહનની વિગતો નોંધવી પડશે. આ માટે 90 દિવસનો સમય આપવામાં આવે છે. આ પછી પણ જો પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો તમને 30 દિવસનો વધારાનો સમય મળે છે.


મોબાઇલ નંબર લિંક કરવો જરૂરી


ફાસ્ટેગ વિશે એક જરૂરી વાત એ છે કે તમારે તેની સાથે તમારો મોબાઇલ નંબર પણ લિંક કરાવવો પડશે. જ્યારે તમે ફાસ્ટેગ લો છો ત્યારે તમારો નંબર લિંક થાય છે. પરંતુ ઘણી વખત લોકો નંબર બદલી નાખે છે અથવા નંબર બંધ થઈ જાય છે. જો આવું થાય છે તો પછી તમારે પોર્ટલથી ફરીથી નંબર લિંક કરવો પડે છે.