Delhi AIIMS Fire: દિલ્હી એઈમ્સમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. દિલ્હી એઇમ્સના એન્ડોસ્કોપી રૂમમાં ઇમરજન્સી વોર્ડ પાસે આગ લાગી હતી. આગને પગલે દર્દીઓ અને તેમના પરિવારજનોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. અત્યાર સુધીમાં કોઇ જાનહાનિના સમાચાર નથી






 


દિલ્હીની એઇમ્સમાં આગ લાગતાની સાથે જ અફરા-તફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, AIIMSના એન્ડોસ્કોપી વિભાગમાં આગ લાગી હતી. હોસ્પિટલ પ્રશાસને તત્પરતા દાખવતા તમામ દર્દીઓને તાત્કાલિક સલામત બહાર કાઢ્યા હતા. અત્યાર સુધી કોઈની જાનહાનિના સમાચાર નથી.  આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 


આ પહેલા જૂન 2021માં AIIMS હોસ્પિટલમાં આગ લાગવાને કારણે દોડધામ મચી ગઇ હતી.  ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ગેટ નંબર 2 પાસે કન્વર્ઝન બ્લોકના નવમા માળે રાત્રે લગભગ 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા 26થી વધુ વાહનોએ મોડી રાત્રે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગને કારણે સ્પેશિયલ કોરોના લેબમાં રાખવામાં આવેલા સેમ્પલ બળીને રાખ થઈ ગયા હતા.


નોંધનીય છે કે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. માહિતી અનુસાર, દરરોજ લગભગ 12 હજાર દર્દીઓ સારવાર માટે દિલ્હી એઇમ્સમાં પહોંચે છે.


એઈમ્સમાં વિકાસને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. AIIMSની પુનઃવિકાસ યોજના હેઠળ AIIMSમાં 50 નવા ઓપરેશન થિયેટરો બનાવવામાં આવનાર છે. આ સાથે 300 ઈમરજન્સી બેડ સહિત 3,000 થી વધુ વધારાના પેશન્ટ કેર બેડ પણ તૈયાર કરવાના છે. સમિતિએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સૂચન કર્યું છે કે મંત્રાલયે કોઈપણ વિલંબ કર્યા વિના દિલ્હી એઈમ્સના માસ્ટર પ્લાનને મંજૂરી આપવી જોઈએ જેથી કરીને માર્ચ 2024 સુધીમાં એઈમ્સ વિશ્વ સ્તરીય તબીબી સંસ્થાનો ઉદ્દેશ્ય હાંસલ કરી શકે.