ઓક્ટોબરની શરૂઆત સાથે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સંભવિત ઘટાડાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "ગયા વર્ષની જેમ છેલ્લા 3 વર્ષથી દિવાળી દરમિયાન દિલ્હીના પ્રદૂષણની ખતરનાક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેથી લોકોના જીવન બચાવી શકાય. "
વેપારીઓને સ્ટોર ન કરવા અપીલ
CM કેજરીવાલે બીજી ટ્વિટ કરી જેમાં તેમણે લખ્યું કે, "વેપારીઓ દ્વારા ફટાકડા સંગ્રહ કર્યા બાદ પ્રદૂષણની ગંભીરતાને જોતા ગયા વર્ષે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.”
આ નિર્ણય તહેવારોની સીઝનના થોડા દિવસ પહેલા આવ્યો છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે.
નોંધપાત્ર બાબત એ છે કે, દિલ્હી સરકાર દ્વારા 21 સપ્ટેમ્બર સુધીમાં શહેરમાં શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણમાં વધારો થવા માટે જવાબદાર વિવિધ પરિબળોના સંચાલન અંગે વિગતવાર યોજના રજૂ કરવા માટે અનેક એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. તેના એક દિવસ બાદ દિલ્હી સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી હતી.