Punjab News: પંજાબના ભટિંડા સ્થિત આર્મી વિસ્તારમાં ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ કેન્ટોનમેન્ટમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યો નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેન્ટમાં ફાયરિંગ થયું છે જેમાં 4 જવાનોના મોત થયા છે.


સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર આજે સવારે લગભગ 4.35 વાગ્યે ગોળીબારની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે.






ભટિંડાના SSPએ કોઈપણ આતંકી હુમલાનો ઈન્કાર કર્યો છે. પોલીસ તેને પરસ્પર અથડામણની ઘટના ગણાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પોલીસને પણ મિલિટ્રી સ્ટેશનની અંદર જવા દેવામાં આવતી નથી.






નવી માહિતી અનુસાર, આ ઘટના અધિકારીઓની મેસની અંદર બની હતી. ઘટના સમયે સવારના 4.35 વાગ્યા હતા. એટલા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સૈન્ય અધિકારીઓ વચ્ચેની ઘટના હોઈ શકે છે. આ સમયે ફાયરિંગ બંધ થઈ ગયું છે. પહેલા સમાચાર આવ્યા હતા કે ગોળીબાર ચાલુ છે.


લશ્કરી મથકની બહાર ભારે સુરક્ષા


ભટિંડા મિલિટરી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી થોડુ દૂર હતું, પરંતુ શહેરના વિસ્તરણ સાથે હવે લશ્કરી મથક રહેણાંક વિસ્તારની નજીક આવી ગયું છે. આ મિલિટરી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહનમાં પહોંચી શકાય છે. સામાન્ય રીતે આ સ્ટેશનની બહાર જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે.