Punjab News: પંજાબના અમૃતસરમાં ગોલ્ડ ટેમ્પલ પાસે થયેલા બ્લાસ્ટ કેસનો ભેદ પંજાબ પોલીસે ઉકેલી લીધો છે. ડીજીપી ગૌરવ યાદવે ગુરુવારે સવારે 11 વાગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ પંજાબના જ રહેવાસી છે.






તેમની ઓળખ આઝાદવીર સિંહ, અમરિક સિંહ, સાહિબ સિંહ, હરજીત સિંહ અને ધર્મેન્દ્ર સિંહ તરીકે થઈ છે. ડીજીપીએ જણાવ્યું હતું કે આઝાદવીર સિંહ અને અમરીક સિંહે IED એસેમ્બલ કર્યું હતું. અમે આઝાદવીર પાસેથી 1.1 કિલો વિસ્ફોટક જપ્ત કર્યું છે. જ્યારે અમરીક સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે






પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે મોડી રાત્રે વધુ એક વિસ્ફોટ થયો હતો. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પાસે ગઈકાલે રાત્રે 12-12:30ની વચ્ચે બ્લાસ્ટ થયાની માહિતી મળતા જ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


પોલીસે કહ્યું હતું કે પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આ બ્લાસ્ટ અગાઉ થયેલા બ્લાસ્ટથી લગભગ બે કિલોમીટર દૂર શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો હતો.


5 દિવસમાં બ્લાસ્ટની ત્રીજી ઘટના


અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પાસે પાંચ દિવસમાં બોમ્બ વિસ્ફોટની આ ત્રીજી ઘટના છે. સૌથી પહેલા 6 મેના રોજ ગોલ્ડન ટેમ્પલ તરફ જતા હેરિટેજ સ્ટ્રીટ પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 8મી મેના રોજ એ જ જગ્યાએ બીજો બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થઈ હતી. હવે ગઈ રાતના બ્લાસ્ટથી તેની ચિંતા વધી ગઈ છે.


પંજાબ પોલીસે શું કહ્યું?


મોડી રાત્રે થયેલા વિસ્ફોટ બાદ પંજાબના પોલીસ કમિશનર નૌનિહાલ સિંહે જણાવ્યું હતું કે, 12:15 કે 12:30 ની આસપાસ એક મોટો અવાજ સંભળાયો હતો, એવી શક્યતા છે કે તે વધુ એક વિસ્ફોટ હોઈ શકે છે પરંતુ તેની પુષ્ટી થવાની બાકી છે. અમને બિલ્ડિંગની પાછળ કેટલાક ટુકડા મળ્યા છે પરંતુ અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ટુકડાઓ બ્લાસ્ટ સાથે સંબંધિત છે કે કેમ. પોલીસે જણાવ્યું હતું કે જે જગ્યાએ બ્લાસ્ટ થયો તે શહેરની સૌથી સરાયમાંની એક છે