Himachal Flood Update: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ સુખવિંદર સિંહ સુખુ વચ્ચે વાતચીત થઈ છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદની ખાતરી આપી છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી  સાથે વાત કરી અને રાજ્યમાં પૂરના સંકટ અંગે વાત કરી હતી. હિમાચલમાં સતલજ અને બ્યાસ નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે.  કુલ્લુ, શિમલા અને મનાલીમાં હાલત ખરાબ છે. તૂટેલા રસ્તાઓને કારણે અનેક સ્થળોએ પ્રવાસીઓ અટવાયા છે. રાજ્યમાં NDRFની 12 ટીમો તૈનાત છે.



મુખ્યમંત્રી સુખુએ કહ્યું, હું તમારી સેવા માટે 24 કલાક ઉપલબ્ધ છું. મારો ટેલિફોન 24 કલાક તમારા માટે ખુલ્લો રહેશે. આપત્તિની આ ઘડીમાં, હું ફરી એકવાર તમામ ધારાસભ્યોને તેમના વિધાનસભા ક્ષેત્રમાં રહેવાની વિનંતી કરું છું. આપત્તિમાં તેમને સહકાર આપો.  તમારે પણ લોકોને સાથ સહકાર આપવો જોઈએ જેથી નુકસાનની ભરપાઈ થાય.


54 લોકોના મોત, આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરાઈ


હિમાચલ પ્રદેશમાં ભયાનક પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જ્યારે  92 લોકો ઘાયલ થયા છે. વરસાદના કારણે રાજ્યને લગભગ ચાર હજાર કરોડનું નુકસાન થયું છે. તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.



કેન્દ્ર પાસેથી વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી - મુખ્યમંત્રી


એક ટ્વિટમાં સીએમ સુખુએ કહ્યું, "આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યમાં ખરાબ હવામાન અને પૂરને કારણે થયેલા નુકસાન વિશે વાત કરી. રાજ્યમાં થયેલા નુકસાન વિશે માહિતી આપી. કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી છે. આ પરિસ્થિતિને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા પણ વિનંતી કરી.આપણે સાથે મળીને આ સંકટને દૂર કરીશું અને હિમાચલને મજબૂત રાજ્ય બનાવીશું."


કૉંગ્રેસ અધ્યક્ષે પણ વાત કરી


કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સીએમ સાથે વાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે તેમણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી. રાજ્યમાં રાહત કામગીરીમાં ઝડપ આવી છે અને પ્રતિકૂળ હવામાન હોવા છતાં, મુશળધાર વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


રાહુલ ગાંધીએ સીએમ સુખુને ફોન કર્યો હતો


અન્ય એક ટ્વીટમાં સીએમ સુખુએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારે પૂર અને વરસાદ પછી રાજ્ય અને તેના રહેવાસીઓની સ્થિતિ વિશે ફોન કરીને પૂછપરછ કરી હતી.