નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં બનેલી ઘટનાઓ પર ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનમાં બદલાતી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતનું ધ્યાન અફઘાનિસ્તાનમાં ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા અને અને નાગરિકોની સુરક્ષિત વાપસી પર છે.
તાજેતરમાં ભારતે તાલિબાન સાથે કોઈ વાતચીત કરી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું હતું કે, આ સમયે અમે કાબુલના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. તાલિબાન અને તેના પ્રતિનિધિઓ કાબુલ પહોંચી ગયા છે, તેથી મને લાગે છે કે આપણે ત્યાંથી વસ્તુઓ શરૂ કરવાની જરૂર છે.
ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલા રોકાણ સંબંધિત અન્ય સવાલના જવાબમાં જયશંકરે કહ્યું, "તમે રોકાણ શબ્દનો ઉપયોગ કર્યો ... મને લાગે છે કે તે અફઘાન લોકો સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને દર્શાવે છે." અત્યારે અમારું ધ્યાન ત્યાં (અફઘાનિસ્તાન) હાજર ભારતીય લોકોની સલામતી સુનિશ્ચિત કરવા પર છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે ન્યૂયોર્ક પહોંચ્યા કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર એક તાકીદની બેઠક યોજી હતી. દસ દિવસમાં યુએનની શક્તિશાળી સંસ્થાએ યુદ્ધગ્રસ્ત દેશની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ભારતની અધ્યક્ષતામાં આ બીજી બેઠક યોજી હતી. જયશંકરે અહીં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથેની મુલાકાત દરમિયાન અને અન્ય દ્વિપક્ષીય બેઠકોમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ભારત ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે.