Shibu Soren Death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન થયું. તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટી કરી હતી. મુખ્યમંત્રી હેમંત સોરેને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "આદરણીય દિશોમ ગુરુજી આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું."
શિબુ સોરેનનું સોમવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા. તેમણે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શિબુ સોરેનને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે જૂલાઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે શિબુ સોરેન છેલ્લા 38 વર્ષથી ઝારખંડ મુક્તિ મોરચાના અગ્રણી નેતા હતા. તેઓ પાર્ટીના સ્થાપક સંરક્ષક તરીકે જાણીતા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનો જન્મ 11 જાન્યુઆરી, 1944 ના રોજ બિહાર હવે ઝારખંડના હજારીબાગમાં થયો હતો. તેઓ જનતામાં દિશોમ ગુરુ અને ગુરુજી તરીકે પણ જાણીતા હતા. તેઓ શરૂઆતમાં આદિવાસીઓના શોષણ સામે લડ્યા હતા. તેમણે 70ના દાયકામાં 'ધનકટની આંદોલન' અને અન્ય ચળવળો દ્વારા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે 1977માં પહેલી વાર ચૂંટણી લડી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, 1980 પછી તેઓ ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. બિહારથી અલગ રાજ્ય 'ઝારખંડ' બનાવવાના આંદોલનમાં પણ તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેઓ ત્રણ વાર (2005, 2008,2009) ઝારખંડના મુખ્યમંત્રી બન્યા પરંતુ એક પણ વખત તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં.
યુપીએના પહેલા કાર્યકાળમાં તેઓ કોલસા મંત્રી બન્યા હતા પરંતુ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. શિબુ સોરેન તેમના પિતા શોભરામ સોરેનની હત્યા બાદ રાજકારણમાં આવ્યા હતા.
શિબુએ 1977માં પહેલી વાર લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 1980માં તેઓ સફળ રહ્યા હતા. આ પછી તેમણે 1986, 1989, 1991, 1996માં પણ ચૂંટણી જીતી હતી. 2004માં તેઓ દુમકાથી લોકસભામાં ચૂંટાયા હતા. શિબુ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. હાલમાં તેમના પુત્ર હેમંત સોરેન રાજ્યના મુખ્યમંત્રી છે.