SC Hearing on Free Schemes: રાજકીય પક્ષોની મફત યોજનાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ સમગ્ર મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા  NV રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી છે. આ કિસ્સામાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે મફત યોજનાઓની જાહેરાત કરનાર પક્ષની માન્યતા રદ કરવામાં આવે. હવે ફરી એકવાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. જ્યાં CJI રમનાએ ફ્રી સ્કીમ્સને લઈને ઘણી ટિપ્પણીઓ કરી હતી.






શું મફત વીજળી- પાણી મફત યોજનાઓ છે?


મફતની યોજનાઓ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રમનાએ કહ્યુ હતું કે અમે રાજકીય પક્ષોને વચનો આપતા રોકી શકતા નથી. પરંતુ પ્રશ્ન એ છે કે સાચા વચનો કયા છે અને કોને મફત ગણવા જોઈએ. શું આપણે મફત શિક્ષણ અને કેટલાક યુનિટ મફત વીજળીને મફત તરીકે જોઈ શકીએ? આ અંગે ચર્ચા કરવી જરૂરી છે. સીજેઆઈએ મોટી ટિપ્પણી કરતા કહ્યું કે આવા વચનો કોઈ પણ પક્ષની જીત કે સત્તામાં આવવાનો નિર્ણય લેતા નથી. સવાલ એ છે કે લોકોને પાણી અને વીજળી આપવી એ મફત છે કે નહીં.


આ દરમિયાન કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમને એફિડેવિટ મળ્યા નથી, જ્યારે મીડિયાને તે પહેલા મળ્યા હતા. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તેનો ઉપયોગ પબ્લિસિટી માટે ન કરવો જોઈએ. ઉપરાંત, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અરજીની નકલ તમામ પાર્ટીઓને આપવામાં આવે. આ બાબતે સૂચનો અને અન્ય માહિતી શનિવાર સુધીમાં નોંધાવી શકાશે.


 શું છે સમગ્ર મામલો?


ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. જેમાં ફ્રીબીઝ સ્કીમ પર લગામ લગાવવા અને આવી પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાંભળીને સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવવાની વાત કરી. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ આ અરજી સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો, AAP વતી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ મફત ભેટ અથવા મફતમાં નથી. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે જો મામલાની સુનાવણી થઈ રહી છે તો સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટ્સને આપવામાં આવતા ભથ્થાનું પણ મૂલ્યાંકન કરવામાં આવે.