G20 Summit 2023 in Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિ બાઇડન જી-20 સમિટમાં સામેલ થવા ભારત આવવા રવાના થયા હતા.  બંને નેતાઓ શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ મોદીના નિવાસસ્થાને મળશે. જો બાઇડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે સાંજે ભારત પહોંચશે અને ત્યારબાદ પીએમ મોદી સાથે ડિનર કરશે. બંને નેતાઓ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે.






અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઇડનની આ પ્રથમ ભારત મુલાકાત છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2020માં ભારત આવ્યા હતા. જો બાઇડન અને પીએમ મોદીનું આ બીજું સ્પેશિયલ ડિનર હશે. આના ત્રણ મહિના પહેલા વડાપ્રધાન મોદીની અમેરિકાના પ્રવાસ દરમિયાન બાઇડન તેમના માટે વ્હાઇટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર મુકવામાં આવે તેવી શક્યતા છે.


આ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી આશા


બંને નેતાઓ સ્વચ્છ ઊર્જા, વેપાર, ઉચ્ચ ટેકનોલોજી, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે. આ સાથે તેઓ વિશ્વના કેટલાક ગંભીર પડકારોનો સામનો કરવામાં બંને દેશો કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે પણ ચર્ચા કરી શકે છે. એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચેની વાતચીતમાં સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ અને ઉચ્ચ ટેકનોલોજી સહિત વિવિધ મુખ્ય ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવા પર ભાર મુકવામાં આવે તેવી શક્યતા છે.


વિઝા સિસ્ટમ અંગે પણ ચર્ચા થઈ શકે છે


બંને પક્ષો વિઝા સિસ્ટમને વધુ ઉદાર બનાવવા અંગે પણ ચર્ચા કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 'આ વર્ષે G-20 ના નેતૃત્વ માટે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીએ છીએ અને અમે એ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે ભારત આ વર્ષે સફળ કોન્ફરન્સનું આયોજન કરે.


G20 જૂથ શું છે?


G20 સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના આશરે 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. G20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, અને યુરોપિયન યુનિયન (EU) સામેલ છે.