G-20 Summit Delhi Update: 9 સપ્ટેમ્બરથી દિલ્હીમાં શરૂ થનારી G-20 સમિટ માટે વિવિધ દેશોના વડાઓનું આગમન શરૂ થઇ ચૂક્યું છે. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબુ આ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. મંગળવારે સાંજે દિલ્હી પહોંચતા જ આરોગ્ય રાજ્ય મંત્રી એસ.પી. સિંહ બઘેલે ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. આ સાથે તેઓ આ સમિટમાં ભાગ લેનાર પ્રથમ વિદેશી નેતા બની ગયા છે.






બંને દેશો વચ્ચે વાતચીત થઈ શકે છે


સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ Bola Tinubuની મુલાકાત દરમિયાન ભારત અને નાઈજીરિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીતની અપેક્ષા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, 'G20 સમિટ માટે આગમન શરૂ! નાઇજીરિયાના રાષ્ટ્રપતિ જી-20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચનાર પ્રતિનિધિમંડળના પ્રથમ વડા છે. રાજ્યમંત્રી એસ.પી.સિંહ બઘેલે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. પદ સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ ટીનુબુની આ પ્રથમ ભારત મુલાકાત છે.


બાઇડન ગુરુવારે દિલ્હી આવશે


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે નવી દિલ્હી આવશે. તેમની પત્ની જિલ બાઇડન સાથે નહી આવે. તેમનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે, જો બાઇડનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ કારણે તેઓ માસ્ક પહેરીને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. કોરોના પ્રોટોકોલના નિયમોનું પણ પાલન કરશે.  


દિલ્હીમાં ઘણા માર્ગો માટે ડાયવર્ઝન


ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે (5 સપ્ટેમ્બર) જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, દિલ્હીના મથુરા રોડ (આશ્રમ ચોકથી આગળ), ભૈરો રોડ, પુરાણા કિલા રોડ અને પ્રગતિ મેદાન ટનલની અંદરથી કોઈપણ માલસામાન વાહન, વ્યાપારી વાહન, આંતર-રાજ્ય બસો અને ઇન્ટર સ્ટેટ સિટી બસોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધો 7 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બર 2023ની મધ્યરાત્રિથી 10 સપ્ટેમ્બર 2023ની રાત્રે 11.59 વાગ્યા સુધી સંપૂર્ણપણે લાગુ રહેશે.


સમિટ દરમિયાન 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 5 વાગ્યા સુધી આખા રિંગ રોડ (મહાત્મા ગાંધી માર્ગ)ને 'રેગ્યુલેટેડ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન બોનાફાઇડ રહેવાસીઓની અવરજવર, અધિકૃત વાહનો અને ઇમરજન્સી વાહનોને મંજૂરી આપવામાં આવશે. આ સિવાય એરપોર્ટ જનારા મુસાફરો,  નવી દિલ્હી રેલવે સ્ટેશન અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર જનારા મુસાફરોને જ નવી દિલ્હી વિસ્તારના રસ્તાઓ પર ચાલવાની મંજૂરી આપવામાં આવશે