G20 Summit 2023 in Delhi Advisory: 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા માટે તમામ જગ્યાએ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં કેટલાક મહત્વપૂર્ણ કામ સિવાય ઘણી બાબતો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પરિવહન વિભાગે વાહનોની અવરજવરને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે.






ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે (5 સપ્ટેમ્બર) જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, દિલ્હીના મથુરા રોડ (આશ્રમ ચોકથી આગળ), ભૈરો રોડ, પુરાણા કિલા રોડ અને પ્રગતિ મેદાન ટનલની અંદરથી કોઈપણ માલસામાન વાહન, વ્યાપારી વાહન, આંતર-રાજ્ય બસો અને ઇન્ટર સ્ટેટ સિટી બસોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધો 7 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બર 2023ની મધ્યરાત્રિથી 10 સપ્ટેમ્બર 2023ની રાત્રે 11.59 વાગ્યા સુધી સંપૂર્ણપણે લાગુ રહેશે.






પરવાનગી સાથે કોને મળશે એન્ટ્રી


પરિવહન વિભાગે દૂધ, શાકભાજી, ફળો, તબીબી પુરવઠો જેવી આવશ્યક ચીજવસ્તુઓને લઇને જતા વાહનોને માન્ય 'નો એન્ટ્રી પરમિશન' સાથે દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. રાજધાનીના નવી દિલ્હી વિસ્તારને કંટ્રોલ ઝોન-1 જાહેર કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં 8 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 5 વાગ્યાથી 10 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11.59 વાગ્યા સુધી પ્રતિબંધ લાગુ રહેશે. કંટ્રોલ ઝોન-1 એવો વિસ્તાર છે જ્યાં આ નિયમના અમલ પછી માત્ર અમુક ખાસ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે પરંતુ આ માટે તેમની પાસે માન્ય પરમિટ હોવી ફરજિયાત છે.


સમિટ દરમિયાન 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 5 વાગ્યા સુધી આખા રિંગ રોડ (મહાત્મા ગાંધી માર્ગ)ને 'રેગ્યુલેટેડ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન બોનાફાઇડ રહેવાસીઓની અવરજવર, અધિકૃત વાહનો અને ઇમરજન્સી વાહનોને મંજૂરી આપવામાં આવશે. આ સિવાય એરપોર્ટ જનારા મુસાફરો,  નવી દિલ્હી રેલવે સ્ટેશન અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર જનારા મુસાફરોને જ નવી દિલ્હી વિસ્તારના રસ્તાઓ પર ચાલવાની મંજૂરી આપવામાં આવશે. દિલ્હીમાં પહેલાથી તમામ પ્રકારની બસ સેવાઓ અને કોમર્શિયલ વાહનોને રિંગ રોડ અને અન્ય માર્ગોથી જવાની મંજૂરી આપવામાં આવશે.