ઉત્તર પ્રદેશ સહિત પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામની નજર 10 માર્ચે જાહેર થનાર પરીણામ પર છે. પરંતુ તે પહેલાં ભુતકાળના અનુભવોના આધારે ગોવામાં કોંગ્રેસ સતર્ક થઈ ગઈ છે. સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે, કોંગ્રેસના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ થઈ રહી છે. હાલ આ ઓપરેશનની જવાબદારી મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સતેજ પાટીલને સોંપવામાં આવી છે. કોંગ્રેસને ડર છે કે કોઈ અન્ય પાર્ટી તેમના નેતાઓને તોડીને પોતાની પાર્ટીમાં જોડી શકે છે. મળતા રિપોર્ટ પ્રમાણે ગોવામાં કોંગ્રેસના ઉમેદવારોને સાથે રાખવા માટે તેમને કોલ્હાપુર અથવા રાજસ્થાન શિફ્ટ કરવામાં આવી શકે છે.
ગત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. સૌથી મોટી પાર્ટી બન્યા બાદ પણ કોંગ્રેસ ગોવામાં સરકાર બનાવી શકી નથી. આથી જ આ વખતે કોંગ્રેસ કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતી અને દરેક મોરચા પર પોતાના ધારાસભ્યના ઉમેદવારોને પોતાની તરફ રાખવા માટે મથી રહી છે. ગઈકાલે જાહેર થયેલા એક્ઝીટ પોલમાં ગોવામાં ત્રિશંકુ વિધાનસભા બની રહી હોવાનું અનુમાન છે.
એક્ઝિટ પોલના પરિણામોઃ (એબીપી ન્યૂઝ-સી વોટર મુજબ)
કુલ બેઠકો- 40
ભાજપ- 13-17
કોંગ્રેસ - 12-16
AAP- 1-5
TMC- 5-9
અન્ય- 0-2
હાલમાં ગોવામાં ભાજપ બહુમતીથી દૂર રહે તેવું લાગી રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું સત્તાની સીટ પર બેસવાનું સપનું સાકાર થતું દેખાઈ રહ્યું છે. પ્રમોદ સાવંતને વિશ્વાસ છે કે, રાજ્યમાં ભાજપની સરકાર બનશે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) સાથે ગઠબંધન કર્યું હતું. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
ભુતકાળમાં નજર કરીએ તો ગત 2017ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનવા છતાં કોંગ્રેસ સરકાર બનાવી શકી ન હતી. તેણે 17 બેઠકો જીતી હતી, જ્યારે 13 બેઠકો જીતનાર ભાજપે MGP, ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી પોતાની સરકાર બનાવી લીધી હતી. 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ન હતું, જ્યારે MGP 3 અને અન્ય પક્ષોએ 7 બેઠકો જીતી હતી.