ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીને વધુ એક ઝટકો લાગ્યો છે.  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા લક્ષ્મીકાંત પારસેકરે શનિવારે કહ્યું કે પાર્ટીની ટિકિટ ન આપવામાં  આવતા તેઓ શાસક પક્ષમાંથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી ANI સાથે ફોન પર વાત કરતા પારસેકરે કહ્યું, "હું શનિવારે સાંજે પાર્ટીને ઔપચારિક રીતે રાજીનામું સોંપીશ."



ગોવાના પૂર્વ સીએમ લક્ષ્મીકાંત પારસેકરે ભાજપમાંથી રાજીનામું આપી  પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. પૂર્વ સીએમએ કહ્યું, 'હું વર્ષો સુધી ભાજપનો સભ્ય હતો પરંતુ પાર્ટીએ મને હળવાશથી લીધો. મેં પાર્ટીથી દૂર રહેવાની તૈયારી કરી છે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હું 1-2 દિવસમાં આ જાહેરાત સાથે સામે આવીશ.'


મનોહર પર્રિકર બાદ બનાવવામાં આવ્યા હતા સીએમ


પારસેકર 2014 થી 2017 સુધી ગોવાના મુખ્યમંત્રી હતા. તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પર્રિકરને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કર્યા બાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.


65 વર્ષીય નેતા હાલમાં રાજ્યની ચૂંટણીઓ પહેલા પાર્ટીની મેનિફેસ્ટો કમિટીના વડા છે અને ભાજપ કોર કમિટીના સભ્ય પણ છે.


મનોહર પર્રિકરને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા પછી, 8 નવેમ્બર, 2014 ના રોજ મન્દ્રેમના ત્રણ વખતના ધારાસભ્ય લક્ષ્મીકાંત પારસેકરને ગોવાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.


જો કે, તેમને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યાં તેઓ કોંગ્રેસના દયાનંદ સોપટે સામે 7,119 મતોના માર્જિનથી હારી ગયા હતા.


મનોહર પર્રિકરના પુત્રએ પણ આપ્યું રાજીનામું


ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો અગાઉ તેમણે પણજીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ભાજપ ઘણા દિવસોથી ઉત્પલને મનાવવાની કોશિશ કરી રહી હતી પરંતુ તેઓ પાર્ટીની ટિકિટ વહેંચણીથી નારાજ હતા.