અમદાવાદઃ ગોવામાં ફરીથી ભાજપની સરકાર આવી ગઈ છે. વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યમાં દરેક પરિવારને 3 ગેસના બાટલા મફત આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આ વચન પૂરું કરવા માટે ગોવા સરકારે કેબિનેટની પહેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક પરિવારને રાંધણ ગેસના 3 બાટલા મફત આપશે.
સોમવારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની અધ્યક્ષતામાં કેબિનેટની પહેલી બેઠક મળી હતી. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે મુખ્યમંત્રી પદના શપથ બાદ પહેલી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. કેબિનેટે નવા નાણાકીય વર્ષથી ભાજપના ઘોષણાપત્રમાં કરાયેલા વાયદા મુજબ 3 સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, પ્રમોદ સાવંતે 2019માં તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના નિધન બાદ રાજ્યના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો. હાલમાં પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીએ 40 બેઠકોમાંથી 20 જીતી હતી. ભાજપે આ ચૂંટણી પ્રમોદ સાવંતના નેતૃત્વમાં જ લડી હતી.