નવી દિલ્હીઃભારે બહુમત સાથે ફરી સત્તામાં આવેલી મોદી સરકારની રાહ સંસદમાં વધુ સરળ થઇ ગઇ છે. ભાજપ પાસે 303 સાંસદ છે અને એનડીએના સાંસદોને જોડીને આ આંકડો 350ને પાર ચાલી ગયો છે. આ કારણ છે કે હાલના બજેટ સત્રમાં સરકાર એક પછી એક નવા બિલને સંસદમાં મંજૂરી આપવામાં સફળ રહી છે. સોમવારે લોકસભામાં સરકાર તરફથી એક કલાકની અંદર આઠ બિલ રજૂ કર્યા છે.


લોકસભામાં પ્રશ્નકાળ ખત્મ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ સરકારને એ બિલ રજૂ કરવાની મંજૂરી આપી હતી. આ બિલમાં ડીએનએ ટેકનોલોજી વિનિયમન બિલ 2019, ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ 2019, રાષ્ટ્રીય તપાસ એજન્સી(સંશોધન) બિલ 2019 સામેલ છે. એનઆઇએ સંબંધિત આ બિલ ગૃહ મંત્રી અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતુ. જોકે, અમિત શાહ પણ સંસદમાં હાજર રહ્યા હતા.

તે સિવાય માનવ અધિકારોના રક્ષણ, ગ્રાહક સંરક્ષણ બિલ 2019, પબ્લિક પ્રીમિઝ સંશોધન બિલ 2019, જલિયાવાલા બાગ  રાષ્ટ્રીય સ્મારક બિલ 2019 અને કેન્દ્રિય યુનિવર્સિટી બિલ 2019ને પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કોગ્રેસે એનઆઇ બિલનો વિરોધ કર્યો હતો.